Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
ખેડૂતોને રાહત આપવા માટે સાવર્ત્રિક ધોરણે ર્નિણય લેવો જોઈએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ખેડૂતોને થયેલા વરસાદી નુકસાન અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ વિપક્ષે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, “સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ કેમ? પાલભાઈ આંબલિયાએ સરકાર પર બેવડાં ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે સરકારે બે મોઢાની વાતો બંધ કરી દેવી જોઈએ.

ખેડૂતોના સર્વેની સમયમર્યાદા અંગે બોલતા પાલભાઈ આંબલિયાએ વિસંગતતા દર્શાવી હતી. તેમણે સવાલ કર્યો હતો કે, “સરકારનો મૌખિક આદેશ ૭ દિવસનો અને પરિપત્રમાં ૨૦ દિવસ એવું કેમ?” તેમણે તર્ક આપ્યો હતો કે જો સરકાર ૨૦ દિવસે સર્વે કરવા આવે તો ખેતરમાં બગડેલી ખેત પેદાશ હોય? આટલા સમયમાં પાકનો નાશ થઈ ગયો હોય અને નુકસાન દેખાય નહીં.
છેલ્લી ૭ સીઝનમાં ખેડૂતો કુદરતી મારનો ભોગ બન્યા
આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, સરકારના ધારાસભ્ય, સાંસદ, મંત્રી રૂબરૂ સર્વે કર્યું એ માન્ય ન રહે? ખેતીના નુકસાનના સર્વેની પદ્ધતિ પર પણ આંબલિયાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જ્યાં ૧ ઇંચથી ૧૫ ઇંચ વરસાદ છે ત્યાં સર્વે કરવાની જરૂર જ ક્યાં છે?” વળી, જ્યાં વરસાદ સાવર્ત્રિક હોય, એટલે કે દરેક જગ્યાએ પડ્યો હોય, ત્યાં વ્યક્તિગત સર્વે કરવાની જરૂર જ ક્યાં છે? ખેડૂતોને રાહત આપવા માટે સાવર્ત્રિક ધોરણે ર્નિણય લેવો જોઈએ તેવો તેમનો મત હતો.
મગફળીના નુકસાન અંગે બોલતા તેમણે સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવ્યો હતો કે, “સર્વેમાં મગફળીમાં નુક્શાની ન બતાય તેવી મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે?” તેમણે ગ્રામ સેવકોને આપેલા મૌખિક આદેશ પર ધ્યાન દોરતા કહ્યું હતું કે, “સરકારે ગ્રામ સેવકને મૌખિક આદેશ અલગ કર્યા છે. મૌખિક આદેશ મુજબ જો મગફળીના ડેડવા ફોલ્યા બાદ દાણા ડેમેજ હોય તો જ નુક્શાની ગણવી.” આ પ્રકારની કડક શરતો નુકસાનને ઓછું દર્શાવવા માટે હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
પાલભાઈ આંબલિયાએ અંતે સરકારને વિનંતી કરી હતી કે, “સરકાર સર્વેના નાટક બંધ કરી ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ.” તેમણે દલીલ કરી હતી કે છેલ્લી ૭ સીઝનમાં ખેડૂતો કુદરતી મારનો ભોગ બન્યા છે, માટે સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જોઈએ.
 
				 
								