Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસનું નિવેદન
જાહેર આરોગ્ય પર સીધી અને મોટા પાયે થાય છે અસર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રોહિંટન નરીમને તાજેતરમાં જ દેશભરની ધાર્મિક સંસ્થાઓમાં વપરાતા લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે, આવી ધાર્મિક સંસ્થાઓ પછી ભલે તે મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા કે અન્ય કોઈપણ ધાર્મિક સ્થળ હોય, તેમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે તે જાહેર આરોગ્ય માટે ખતરો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આના પર પ્રતિબંધ ન મૂકવામાં આવે, તો તે જાહેર આરોગ્ય પર સીધી અને મોટા પાયે અસર કરી શકે છે.

તેમણે કહ્યું કે, લાઉડસ્પીકર અને ઘંટ વગાડવા જેવી ધાર્મિક અભિવ્યક્તિઓ નાગરિકોના સ્વાસ્થ્ય અને શાંતિપૂર્ણ જીવનના અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે. તેથી, પક્ષપાતના આરોપોને ટાળવા માટે તમામ ધર્મોમાં આને સમાન રીતે નિયંત્રિત કરવા જોઈએ.
લોકોને મુશ્કેલી ન પડે તે માટે વિચારણા
રિટાયર્ડ જસ્ટિસ રોહિન્ટન નરીમને આ વાત તાજેતરમાં તિરુવનંતપુરમના પ્રેસ ક્લબમાં કે.એમ. બશીર મેમોરિયલ લેક્ચર દરમિયાન કરી હતી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે આજકાલ દરેક ધર્મ પોત-પોતાના વિરોધમાં વધુ જોરથી અવાજ ઉઠાવી રહ્યો છે અને ભગવાનને બહેરા બનાવી રહ્યા છે. મને લાગે છે કે કાં તો કોઈ મસ્જિદના લાઉડસ્પીકર પર બૂમો પાડી રહ્યા છે અથવા કોઈ મંદિરના ઘંટ જોર-જોરથી વગાડી રહ્યું છે. આ બધું બંધ થવું જોઈએ કારણ કે તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે.
તેમણે આગળ કહ્યું કે, જો તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, તો તે સીધુ સ્વાસ્થ્યના દાયરામાં આવે છે, અને મારું માનવું છે કે દરેક રાજ્યએ શક્ય તેટલી વહેલી તકે મસ્જિદો અને મંદિરોમાં લાઉડસ્પીકર અને ઘંટ વગાડવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી સવાર-સવારમાં લોકોને મુશ્કેલી ન પડે અને તેમની ઊંઘમાં ખલેલ ન પહોંચે.
આ ફરીથી એક એવી બાબત છે જેને રાજ્યએ પોતાના હાથમાં લેવી જોઈએ અને તેને દરેક પર સમાન રીતે લાગુ કરવી જોઈએ જેથી તમે ફરીથી એવું ન કહી શકો કે તમે અમુક પક્ષને ટેકો આપી રહ્યા છો અથવા અમુક પક્ષનો વિરોધ કરી રહ્યા છો. તમારે તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. તમે ઓડિટોરિયમમાં લાઉડસ્પીકર લગાવી શકો છો જ્યાં દરેક વ્યક્તિ કોઈને સાંભળવા માંગે છે અને કંઈ બહાર આવતું નથી, પરંતુ તમે બહાર લાઉડસ્પીકર ન લગાવી શકો જેનાથી શોર અને ઉપદ્રવ થાય છે.
આ ચર્ચાને બંધારણીય સંદર્ભમાં મૂકતા તેમણે યાદ અપાવ્યું કે, પ્રસ્તાવના અમે ભારતના લોકોથી શરૂ થાય છે, જેમાં દરેક નાગરિકો સામેલ છે, ન માત્ર બહુમતી અથવા કોઈ એક સમુદાય. અમે ભારતના લોકોનો અર્થ ભારતની બહુમતી અથવા ભારતની પુખ્ત પુરુષ વસતી નથી. તેનો અર્થ અમે ભારતના લોકો છે. તેથી, આપણે બધા ભારતના લોકો છીએ. આ એક એવી વાત છે જેને ક્યારેય ભૂલવી ન જોઈએ.