Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટે ટાઈમલાઈન માંગી
અનામત તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપતા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત કાયદો) ના અમલને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે સરકારને પૂછ્યું છે કે, આ કાયદો લાગુ કરવા માટેની સમયરેખા શું છે ? કોર્ટે એમ પણ કહ્યું કે, સંસદ દ્વારા કાયદો પસાર થઈ ગયો હોવા છતાં તેને લાગુ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે ?

વાસ્તવમાં કોંગ્રેસ નેતા જયા ઠાકુરે કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં માંગ કરાઈ છે કે, મહિલા અનામત તાત્કાલિક લાગુ કરવામાં આવે. અરજીમાં કહેવાયું છે કે, કાયદામાં રાખવામાં આવેલી ‘પરિસીમન પછી લાગુ કરવાની’ શરતને દૂર કરવામાં આવે અને અનામત તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે.
કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને નિર્દેશ આપ્યો
સુનાવણી દરમિયાન વરિષ્ઠ અધિવક્તા શોભા ગુપ્તાએ કહ્યું કે, ‘જ્યારે આ કાયદો નારી શક્તિ વંદન અધિનિયમના નામથી પસાર થયો છે, તો તેને લાગુ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે? આ દુ:ખદ છે કે, આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ આપણે સંસદમાં પ્રતિનિધિત્વ માટે અનામત માંગવું પડી રહ્યું છે. જો એસસી-એસટી માટે વસતી ગણતરી કે પરિસીમન વગર અનામત લાગુ કરી શકાય છે, તો મહિલાઓ માટે અનામત કેમ લાગુ કરી શકાયો નથી?
સંસદે મહિલા અનામનો કાયદો વિશેષ સત્રમાં પસાર કર્યો હતો, જે દર્શાવે છે કે સરકાર પાસે જરૂરી ડેટા પહેલેથી જ ઉપલબ્ધ હતો.’ જસ્ટિસ જે. નાગરત્નાએ કહ્યું કે, મહિલાઓ દેશની સૌથી મોટી લઘુમતી છે. તેમણે કેન્દ્ર સરકારને પૂછ્યું કે પરિસીમનની પ્રક્રિયા ક્યારે શરૂ થશે ? કાયદો લાગુ કરવો એ સરકાર અને કાર્યપાલિકાની જવાબદારી છે.
પરંતુ અદાલત ચોક્કસ પૂછી શકે છે કે, તેને લાગુ કરવાની ટાઈમલાઈન શું છે ? છેવટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને નિર્દેશ આપ્યો છે કે, કેન્દ્ર સરકાર સ્પષ્ટ કરે કે, વસ્તી ગણતરી અને પરિસીમનની પ્રક્રિયા ક્યારે શરૂ થશે અને મહિલા અનામત ક્યારે લાગુ કરવામાં આવશે ?