Last Updated on by Sampurna Samachar
ભારતે લઘુમતીઓ પર થઈ રહેલી હુમલા મામલે ચિંતા વ્યક્ત કરી
બાંગ્લાદેશી મીડિયા જુઠાણું ફેલાવી રહ્યું છે : ભારત
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં શેખ હસીનાના વિરોધમાં આંદોલન કરીને મુખ્ય ચહેરો બનેલા ઉસ્માન હાદીનું મોત થયું હતું, ત્યારથી જ બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા થઈ રહી છે, એટલું જ નહીં ટોળાએ એક હિન્દુ યુવકને માર મારી, તેને ઝાડ પર લટકાવીને સળગાવી નાખ્યો હતો. આ તમામ ઘટના ક્રમ વચ્ચે ભારત સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશન સામે દેખાવો થયા હોવાની માહિતી સામે આવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બાંગ્લાદેશી મીડિયા દ્વારા ભ્રામક પ્રચાર ફેલાવવાનો આરોપ લગાવીને કહ્યું છે કે, નવી દિલ્હીમાં આવેલા બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર કોઈપણ સંકટ ઉભું થયું નથી. બીજી તરફ બાંગ્લાદેશમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારત સરકારે દિલ્હી સ્થિત બાંગ્લાદેશી એમ્બેસી બહાર સુરક્ષા બંદોબસ્ત તહેનાત કરી દીધો છે.
વિદેશ મંત્રીલયની બાંગ્લાદેશની સ્થિતિ પર સતત નજર
મીડિયાના સવાલોનો જવાબ આપતા જયસ્વાલે કહ્યું કે, ‘ ૨૦ થી ૨૫ યુવકોનું નાનકડું ટોળું બાંગ્લાદેશ હાઈ કમિશન સામે એકત્ર થયું હતું. આ લોકો બાંગ્લાદેશના મયમનસિંહમાં હિન્દુ યુવક દીપૂ ચંદ્ર દાસની કરપીણ હત્યાના વિરોધમાં સૂત્રોચ્ચાર અને તેઓ બાંગ્લાદેશમાં લઘુમતી લોકોની સુરક્ષા કરવાની માંગ કરી રહ્યા હતા.’
રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘એકત્ર થયેલા યુવકોએ કોઈ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો નથી અને કોઈ સુરક્ષા સંકટ પણ ઉભુ થયું નથી. સ્થળ પર તહેનાત પોલીસ ટીમે થોડી જ મિનિટોમાં તેઓને ત્યાંથી હટાવી દીધા હતા. આ ઘટનાના વીડિયો જાહેરમાં ઉપલબ્ધ છે. બાંગ્લાદેશની કેટલીક મીડિયા સંસ્થાઓ આ ઘટનાને વધારે પડતું અને ખોટી રીતે રજૂ કરી રહી છે.’
વિદેશ મંત્રાલયે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું કે, ‘આપણા દેશમાં આવેલા તમામ વિદેશી મિશન અને રાજદ્વારી પ્રતિષ્ઠાનોની સુરક્ષા વિયેના કન્વેન્શન હેઠળ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અમે બાંગ્લાદેશની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. ભારતીય અધિકારીઓ બાંગ્લાદેશી તંત્રના સંપર્કમાં છે. ભારતે લઘુમતીઓ પર થઈ રહેલી હુમલા મામલે ચિંતા વ્યક્ત કરી છે. દીપૂ ચંદ્ર દાસા હત્યારાઓને વહેલામાં વહેલી તકે જેલમાં ધકેલવામાં આવશે.’