Last Updated on by Sampurna Samachar
આ તો કોઈને ઊંડા સમુદ્રમાં ધકેલી દેવા જેવું છે
ગૌતમ ગંભીરે પ્રેસ સંબોધતા કરી વાતચીત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે બધાને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને સમય આપવા માટે વિનંતી કરી છે. ગિલે હેડિંગ્લેમાં સીરિઝની પહેલી મેચમાં ઈંગ્લેન્ડ સામે કેપ્ટનશીપ ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાને પાંચ વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
શુભમન ગિલની કેપ્ટન તરીકે શરૂઆત સારી ન રહી. ભારતના ટેસ્ટ કેપ્ટન તરીકેનો તેનો સમયગાળો હારના કડવા સ્વાદ સાથે શરૂ થયો. જોકે, તેની ટીમે મોટાભાગની મેચ દરમિયાન ઈંગ્લેન્ડ પર દબદબો બનાવી રાખ્યો હતો. હેડ કોચે કહ્યું કે, આ તો કોઈને ઊંડા સમુદ્રમાં ધકેલી દેવા જેવું છે, પરંતુ મને વિશ્વાસ છે કે તે તેમાંથી બહાર આવશે.
એન્ડરસન-તેંડુલકર ટ્રોફી ૨ જુલાઈથી રમાશે
ભારતીય ટીમ આ મેદાન પર ૨૦૦૨ પછી પોતાની પહેલી જીતની તલાશમાં હતી. આ મેચમાં ભારત તરફથી પાંચ સદી જોવા મળી હતી. જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ પણ ઝડપી, પરંતુ ટીમને જીત ન મળી. આ જ કારણ હતું કે, શુભમન ગિલ કેપ્ટનશીપની સારી શરૂઆત ન કરી શક્યો.
મેચ પછી ગૌતમ ગંભીરે પ્રેસને સંબોધિત કરતા કહ્યું કે, ‘જુઓ, કેપ્ટન તરીકે આ તેની પહેલી ટેસ્ટ મેચ છે. સ્વાભાવિક રીતે નર્વસનેસ રહે છે. આ એક મોટું સન્માન છે. જેમ તેણે પહેલાથી જ ઉલ્લેખ કર્યો છે, ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરતી વખતે ઘણા લોકોને આવી તક નથી મળતી અને તેણે શાનદાર પ્રદર્શન કર્યું. તેના કરતા પણ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, મને લાગે છે કે જેવી રીતે તેણે પહેલી ઈનિંગમાં બેટિંગ કરી. મને ખાતરી છે કે, તેને પહેલી વાર કેપ્ટન બન્યા પછી સદી ફટકારીને થોડું સારું લાગ્યું હશે.‘
ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, તેથી એક સફળ કેપ્ટન બનવા માટે જે કંઈ પણ જોઈએ તેના માટે આપણે તેને સમય આપવો પડશે. આપણે હજુ ખૂબ જ શરૂઆતના તબક્કામાં છીએ અને તે પહેલી વાર કેપ્ટનશીપ કરી રહ્યો છે. મને ખાતરી છે કે તે વધુ શ્રેષ્ઠ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત આ સ્થાન (ઈંગ્લેન્ડ) કેપ્ટનશીપ માટે મુશ્કેલ સ્થાન છે. તે કોઈને ઊંડા સમુદ્રમાં ધકેલી દેવા જેવું છે અને મને ખાતરી છે કે તે એક પ્રોપર પ્રોફેશનલ તરીકે તેમાંથી બહાર આવશે. બીજી મેચ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી ૨ જુલાઈથી રમાશે.