હવામાન વિભાગ વૈજ્ઞાનિકે તાપમાનમાં થનારા ફેરફાર અને કોલ્ડવેવની સંભાવના વગેરે મુદ્દે અપડેટ આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરશિયાળે રાજ્યના હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. જે બાદ હવે ફરી એક વખત ઠંડીનો માહોલ જામ્યો છે. સાથે જ ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આવામાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યનું વાતાવરણ કેવું રહેશે, તે અંગે માહિતી આપી હતી. તેમણે રાજ્યમાં વરસાદની સંભાવના, તાપમાનમાં થનારા ફેરફાર અને કોલ્ડવેવની સંભાવના વગેરે મુદ્દે અપડેટ આપી હતી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી સપ્તાહ દરમિયાન મોટાભાગે વાતાવરણ સૂકું રહેશે. હાલ આ દરમિયાન વરસાદની કોઇપણ પ્રકારની સંભાવના નથી. આ સાથે જ તેમણે તાપમાન વિશે માહિતી આપતાં કહ્યું કે, કોઈપણ જગ્યાએ વરસાદ નોંધાયો નથી. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું લધુત્તમ તાપમાન નલિયામાં ૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ૧૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે જ જણાવ્યું કે, હાલ કોલ્ડવેવની સંભાવના દેખાતી નથી. આગામી પાંચ દિવસ દરમિયાન પણ કોલ્ડવેવની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
આગામી દિવસોમાં તાપમાનની માહિતી આપતાં જણાવ્યું કે, આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. આગામી પાંચ દિવસ દરમિયાન મોટાભાગની જગ્યાઓએ ૧ થી ૨ ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળશે. આગામી ૨૪ કલાક દરમિયાન અમદાવાદનું તાપમાન ૧૪-૧૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી રહેવાની સંભાવના છે.
તાજેતરમાં હવામાનમાં આવેલા પલટા વિશે તેમણે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. તેની અસર દૂર થતાં પાછું તાપમાન સામાન્ય થવા લાગ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, ઉત્તરના ભાગોમાં હિમવર્ષા થતાં ત્યાંથી ઠંડી ગુજરાત તરફ આવતાં તાપમાનમાં ઘટાડો થયો છે. આ સ્થિતિ આગામી બે-ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં યથાવત જોવા મળશે. જે બાદ તાપમાનમાં થોડોક વધારો જોવા મળી શકે છે.