Last Updated on by Sampurna Samachar
વક્ફ કાયદા અંગે કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદનું નિવેદન
ઈમરાન મસૂદનો એક વીડિયો વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના સહારનપુરથી કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ઈમરાન મસૂદ વક્ફ બિલ અંગે કહી રહ્યા છે કે, જો મસ્જિદો નહીં હોય તો નમાઝ ક્યાં અદા કરવામાં આવશે? જો કબ્રસ્તાન નહીં હોય તો મૃતદેહોને ક્યાં દફનાવવામાં આવશે ? ઈદગાહની વાત તો બાજુ પર જ રાખો, જો અમે સત્તામાં આવીશું તો વક્ફ બિલને એક જ કલાકમાં ઉખાડી ફેંકીશું.
આ વીડિયો વાયરલ થતાં જ રાજકીય વિવાદ ઊભો થઈ ગયો છે. હવે આ નિવેદન અને વિવાદ પર ઈમરાન મસૂદે સ્પષ્ટતા આપી છે. ઈમરાન મસૂદે કહ્યું કે, મેં કોઈને ચેતવણી નથી આપી. અમારો વિરોધ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ છે, કોઈ સમુદાય વિરુદ્ધ નથી. મારું આખું નિવેદન સાંભળો. મેં કહ્યું છે કે જો અમે સત્તામાં આવીશું, તો અમે આ કાયદાને નકારી કાઢીશું.
આ લોકશાહી દેશ છે, રાજાશાહી નહીં
કોંગ્રેસ સાંસદે આગળ કહ્યું કે, મેં મારા નિવેદનમાં એમ પણ કહ્યું છે કે, હિંસા માટે દેશમાં કોઈ સ્થાન નથી અને મુર્શિદાબાદની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. અમે લોકશાહી, કાયદા અને બંધારણમાં માનનારા લોકો છીએ. વાયરલ વીડિયો હૈદરાબાદનો હોવાનું કહેવાય છે, જ્યાં મસૂદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ મિલી કાઉન્સિલના કાર્યક્રમમાં સામેલ થયા હતા.
ઈમરાન મસૂદે પોતાના સંબોધનમાં કહ્યું કે, આ લોકશાહી દેશ છે, રાજાશાહી નહીં. જે દિવસે અમે સત્તામાં આવીશું તે દિવસે વક્ફ બિલ કાયદાને એક કલાકમાં જ ઉખાડી ફેંકીશું. અમે એક જ કલાકમાં સારવાર કરવાનું જાણીએ છીએ. મેં બંધારણના દાયરામાં રહીને વક્ફ કાયદાનો વિરોધ કરવાની હાકલ કરી હતી અને કહ્યું હતું કે, જ્યાં-જ્યાં આપણી સરકાર છે, જ્યાં-જ્યાં વિપક્ષ સત્તામાં છે ત્યાં આ કાયદો કોઈપણ સંજોગોમાં લાગુ થવો ન જોઈએ.