Last Updated on by Sampurna Samachar
ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના વિવાદિત નિવેદનથી હોબાળો
બંગાળમાં ભાજપ નેતાનુ નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ માં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવાનું છે. જેને લઈને તમામ પાર્ટીઓએ અત્યારથી જ પોતાની તૈયારી શરુ કરી દીધી છે. આ દરમિયાન બંગાળમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારી દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે.
સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ભાજપની સરકાર બનતાં તમામ મુસ્લિમ ધારાસભ્યોને ઉપાડીને ગૃહમાંથી બહાર ફેંકી દઈશું. સુવેન્દુના આ નિવેદન બાદ TMC એ તેની આકરી ટીકા કરી છે. પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુવેન્દુ અધિકારીને ૧૭ ફેબ્રુઆરીએ વિધાનસભામાંથી નિષ્કાષિત કરી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમને સંપૂર્ણ બજેટ સત્રમાંથી જ નિષ્કાષિત કરી દેવાયા હતા.
મમતા બેનર્જીની સરકાર પર પ્રહાર કર્યા
વિધાનસભાની આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતાં સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ગૃહમાં વારંવાર ભાજપના ધારાસભ્યોના માઇક બંધ કરી દેવામાં આવે છે. એકવાર રાજ્યમાં ભાજપની સરકાર આવી જવા દો અમે ટીએમસીના બધા મુસ્લિમ ધારાસભ્યોને ઉપાડીને ગૃહની બહાર રસ્તા પર ફેંકી દઈશું. આ સિવાય તેમણે મમતા બેનર્જીની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકાર કોમી રાજનીતિ કરે છે અને તે મુસ્લિમ લીગનું જ બીજું રૂપ છે.
સુવેન્દુ અધિકારીના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે. સુવેન્દુના આ નિવેદન બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે આકરી ટીકા કરી આ ટિપ્પણીને નફરતી જણાવ્યું છે. આ સિવાય ટીએમસીએ સુવેન્દુ અધિકારીની માનસિક સ્થિતિ પર પણ પ્રશ્ન ઊભા કર્યા હતાં. નોંધનીય છે કે, ભાજપ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.