Last Updated on by Sampurna Samachar
ભારતના મુખ્ય ન્યાયાધીશ ગવઇ પર હુમલાની કોશિશ
આરોપી વકીલની હાલ પૂછપરછ ચાલુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટમાં એક વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ પર હુમલો કરવાની કોશિશ કરી હોવાની માહિતી મળી. CJI ના નેતૃત્વવાળી બેન્ચ વકીલો દ્વારા મામલાનો ઉલ્લેખ કરવા પર સુનાવણી કરી રહી હતી ત્યારે આ ઘટના ઘટી. સૂત્રોના જણાવ્યાં મુજબ વકીલ મંચ પાસે ગયો અને પોતાનું જૂતું કાઢીને જજ પર ફેંકવાની કોશિશ કરી. જોકે કોર્ટમાં હાજર સુરક્ષાકર્મીઓએ સમયસર હસ્તક્ષેપ કર્યો અને વકીલને બહાર કાઢી મૂક્યો. બહાર જતી વખતે વકીલ એ કહેતો સંભળાયો હતો કે સનાતનનું અપમાન સહન નહીં કરીએ.

CJI એ જોકે કોર્ટમાં હાજર વકીલોને પોતાની દલીલો ચાલુ રાખવા જણાવ્યું અને કહ્યું કે આ બધી વાતોથી વિચલિત ન થાઓ. આપણે વિચલિત નથી. આ બધી વાતો મને પ્રભાવિત કરતી નથી. આર ગવઈ પર જૂતું ફેંકવાની કોશિશ કરનારા આરોપીને અટકમાં લેવાયો છે. આરોપી પોતે એક વકીલ છે. આરોપીનું નામ રાકેશ કિશોર છે. જૂતું ફેંકવાની કોશિશ પહેલા વકીલે બૂમો પાડતા કહ્યું કે સનાતનનું અપમાન નહીં ચાલે.
કોઈનો અનાદર કરવાનો તેમનો ઈરાદો નહતો
સુપ્રીમ કોર્ટમાં નવી દિલ્હી જિલ્લાના ડીસીપી દેવેશ માહલા સાથે સુપ્રીમ કોર્ટ સિક્યુરિટીના ડીસીપી જિતેન્દ્ર મની પણ ઘટનાસ્થળે હાજર છે. આરોપી વકીલની હાલ પૂછપરછ ચાલુ છે. આ ઘટના પાછળ લોકોનું માનવું છે કે કદાચ ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી માથું કપાયેલી મૂર્તિની પુર્નસ્થાપના સંલગ્ન એક મામલામાં મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીની અસર છે. જેમાં CJI એ તે મામલાને ફગાવતા કહ્યું હતું કે જાઓ અને ભગવાનને જ કઈ કરવા માટે કહો. તમે કહેતા હોવ કે તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત હોવ તો જાઓ અને હાલ પ્રાર્થના કરો. આ એક પુરાતત્વ સ્થળ છે અને એએસઆઈએ મંજૂરી વગેરે આપવું પડશે.
ત્યારબાદ આ ટિપ્પણીથી સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો હતો અને અનેક લોકોએ મુખ્ય ન્યાયાધીશ પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવ્યો હતો. બે દિવસ બાદ ખુલેલી કોર્ટમાં આ વિવાદને સંબોધતા ગવઈએ કહ્યું હતું કે કોઈનો અનાદર કરવાનો તેમનો ઈરાદો નહતો. તેમણે કહ્યું કે, હું તમામ ધર્મોનું સન્માન કરું છું….આ સોશિયલ મીડિયા પર બનેલું હતું.