Last Updated on by Sampurna Samachar
ઊંઝામાં જીરું અને વરિયાળીમાં ભેળસેળ કરનારા વેપારીઓના લાયસન્સ રદ
રસી અને પાવડરનું કોટિંગ કરનારા તત્વો સામે કડક તપાસના આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે ઓળખાતા મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝામાં મસાલાની શુદ્ધતા જાળવવા માટે APMC અને ફૂડ વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. જીરું અને વરિયાળીમાં ભેળસેળ કરતા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ઊંઝા APMCનાં ચેરમેન દિનેશ પટેલે અત્યંત આક્રમક વલણ અપનાવતા ભેળસેળિયા વેપારીઓને ખુલ્લી ચેતવણી આપી છે.

APMC ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝાની વિશ્વસનીયતા સાથે ચેડા કરનારને છોડવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ વેપારી ભેળસેળ કરતો પકડાશે, તો તેનું લાયસન્સ તાત્કાલિક રદ કરવામાં આવશે. તમે ભેળસેળ વાળું જીરું કે વરિયાળી પકડીને લાવો, અમે તેને બધાની વચ્ચે જાહેરમાં સળગાવીશું. ખાસ કરીને જીરું અને વરિયાળીમાં ગોળની રસી અને પાવડરનું કોટિંગ કરનારા તત્વો સામે કડક તપાસના આદેશ અપાયા છે.
કોઈની શરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરાશે
બીજી તરફ, ફૂડ વિભાગના અધિકારીએ પણ કડક તેવર બતાવ્યા છે. ફૂડ ઓફિસર દ્વારા ટકોર કરવામાં આવી હતી કે, જો તમે આ ભેળસેળિયા મસાલા તમારા પોતાના બાળકને ખવડાવી શકતા હોવ, તો જ આવો માલ વેચવાની છૂટ છે. તપાસ દરમિયાન ગમે તેવા મોટા રાજકારણીનો ફોન આવશે, તો પણ કોઈની શરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તપાસની કડક કાર્યવાહી વચ્ચે અધિકારીએ માનવતાની દ્રષ્ટિએ પણ વાત કરી હતી. તેમણે ભેળસેળિયા તત્વોને ભાવુક અપીલ કરતા કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ એ ન ભૂલવું જોઈએ કે ઉપર બેઠેલો ભગવાન બધું જોઈ રહ્યો છે. હાલમાં ઊંઝામાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ રેડ અને સેમ્પલિંગની કાર્યવાહી સતત ચાલુ છે.