Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારત પર હુમલાની આપી ધમકી
આ નિવેદન રાજનાથ સિંહે દેશના પડોશીઓને કોઈપણ પ્રકારનું દુસાહસ ન કરવાની ચેતવણી આપ્યા બાદ સામે આવ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારતને ફરી એકવાર પોકળ ધમકી આપતા કહ્યું કે જો ભારત કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશન કરવાનો પ્રયાસ કરશે, તો પાકિસ્તાન ભારતના પૂર્વી મહાનગર કોલકાતા પર હુમલો કરી દેશે. પાકિસ્તાની રક્ષા મંત્રીનું આ નિવેદન ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે દેશના પડોશીઓને કોઈપણ પ્રકારનું દુસાહસ ન કરવાની ચેતવણી આપ્યા બાદ સામે આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, સિયાલકોટમાં પત્રકારો સાથે વાતચીત કરતા ખ્વાજા આસિફે કહ્યું, જો ભારત આ વખતે કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશન કરવાનો પ્રયાસ કરશે, તો ઈન્શાઅલ્લાહ અમે કોલકાતા પર એટેક કરીશું. તેમણે વધુમાં ઉમેર્યું કે, જો ભારત પોતાના જ લોકો દ્વારા અથવા પોતાની કસ્ટડીમાં રાખવામાં આવેલા પાકિસ્તાની લોકો દ્વારા કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશનનું પ્લાનિંગ કરે છે, જેમ કે ક્યાંક મૃતદેહો રાખીને એવો દાવો કરવો કે આ આતંકવાદીઓ હતા, તો પાકિસ્તાન તેનો જવાબ કોલકાતા સુધી હુમલો કરીને આપશે.
અમે કોલકાતા પર એટેક કરીશું
વાસ્તવમાં, ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે પાકિસ્તાનનું નામ લીધા વગર ભારતના પડોશી દેશને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોઈપણ પ્રકારના દુસાહસ બાદ નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે. ભારત તરફથી આ ચેતવણી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધી રહ્યો છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં આપણો પડોશી કોઈપણ પ્રકારના દુસાહસને અંજામ આપી શકે છે અને જાે એવું થયું તો ભારતની કાર્યવાહી અભૂતપૂર્વ અને નિર્ણાયક હશે.
કેરળમાં ચૂંટણીના માહોલ વચ્ચે આયોજિત સૈનિક સન્માન સંમેલનને સંબોધતા રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી. તેમણે ઉમેર્યું, જે રીતે આતંકવાદીઓએ પહેલગામમાં ધર્મના આધારે લોકોને નિશાન બનાવ્યા હતા, આ હુમલો માત્ર ભારત પર જ નહીં, પરંતુ દેશની સામાજિક એકતા અને અખંડિતતા પર પણ હુમલો હતો. નોંધનિય છે કે, ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને મોટું નુકસાન થયું હતું.