Last Updated on by Sampurna Samachar
સ્ટાર બેટર કેન વિલિયમસનની T૨૦ ઈન્ટરનેશનલથી નિવૃત્તિની જાહેરાત
ન્યુઝીલેન્ડ ક્રિકેટ માટે મોટો ઝટકો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ન્યુઝીલેન્ડના સ્ટાર બેટર કેન વિલિયમસને T૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૬ વર્લ્ડ કપ પહેલા માત્ર ચાર મહિના પહેલા લેવાયેલો તેમનો ર્નિણય ન્યુઝીલેન્ડ ક્રિકેટ માટે મોટો ઝટકો છે.

નિવૃત્તિ જાહેર કરતા કેન વિલિયમસને કહ્યું, હું લાંબા સમયથી આ ફોર્મેટનો ભાગ છું, અને તેની સાથે જોડાયેલી દરેક યાદ અને અનુભવ મારા માટે ખૂબ જ ખાસ છે. હવે મને લાગે છે કે મારા અને ટીમ બંને માટે યોગ્ય સમય છે. આનાથી ટીમને આગામી સીરિઝ અને તેમના આગામી મોટા લક્ષ્ય, T૨૦ વર્લ્ડ કપ માટે સ્પષ્ટતા મળશે.
કેન વિલિયમસને ૭૫ મેચોમાં કેપ્ટનશીપ કરી
ન્યુઝીલેન્ડ ટીમ અંગે કેન વિલિયમસને કહ્યુ, અમારી પાસે હાલમાં ખૂબ જ પ્રતિભાશાળી T૨૦ ટીમ છે. આવનારા વર્ષો આ ખેલાડીઓ માટે વધુ ક્રિકેટ રમવા અને વર્લ્ડ કપની તૈયારી કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. મિચ (મિશેલ સેન્ટનર) એક શાનદાર કેપ્ટન છે અને તેમણે આ ટીમનું શાનદાર સંચાલન કર્યું છે. હવે બ્લેક કેપ્સને આગળ વધારવાનો સમય છે. હું હંમેશા તેને સપોર્ટ કરીશ.
૩૫ વર્ષીય કેન વિલિયમસને તેના ૯૩ T૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. તે ન્યુઝીલેન્ડનો બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેણે ૩૩ની સરેરાશથી ૨૫૭૫ રન બનાવ્યા છે, જેમાં ૧૮ અડધી સદી અને ૯૫નો શ્રેષ્ઠ સ્કોરનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૧માં T૨૦ માં ડેબ્યૂ કરનાર કેન વિલિયમસને ૭૫ મેચોમાં કેપ્ટનશીપ કરી છે અને ન્યુઝીલેન્ડને બે વાર (૨૦૧૬ અને ૨૦૨૨) T૨૦ વર્લ્ડ કપ સેમિફાઇનલ અને એક વાર (૨૦૨૧) ફાઇનલમાં લઈ ગયા છે.