Last Updated on by Sampurna Samachar
આ આત્મઘાતી હુમલામાં ૧૨ લોકોના જીવ ગયા
ધડાકા સમયે કાર કોર્ટ પરિસરના પાર્કિંગ એરિયામાં ઊભી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામાબાદ જિલ્લા કોર્ટ બહાર એક મોટો વિસ્ફોટ થયો. જેમાં ૧૨ લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. ધડાકા સમયે કાર કોર્ટ પરિસરના પાર્કિંગ એરિયામાં ઊભી હતી. વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો અને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો.

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આ ઘટનાને દેશ માટે ગંભીર પડકાર ગણાવતા કહ્યું કે આપણે યુદ્ધની સ્થિતિમાં છીએ. આ હુમલો અફઘાનિસ્તાન સંલગ્ન આતંકવાદનો સંદેશ છે, જેને રોકવા માટે પાકિસ્તાન સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમણે કહ્યું કે આ ફક્ત સરહદ કે બલૂચિસ્તાનનો મામલો નથી પરંતુ સમગ્ર પાકિસ્તાન માટે જોખમ છે. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ આ આત્મઘાતી હુમલામાં ૧૨ લોકોના જીવ ગયા છે.
કોર્ટ ગતિવિધિઓને હાલ સ્થગિત કરાઈ
સ્થાનિક પોલીસના જણાવ્યાં મુજબ ધડાકો થયો ત્યારે કોર્ટ ક્ષેત્રમાં ભારે ટ્રાફિક અને ભીડ હતી. ધડાકામાં અનેક વકીલ અને નાગરિકો ઘાયલ થયા. ઘાયલોને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાસ્થળને સીલ કર્યું છે અને પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
સુરક્ષા દળ અને ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળ પર તૈનાત કરાયા છે જે ધડાકાના કારણ, સંભવિત બેદરકારી અને અન્ય કારણોની તપાસ કરી રહી છે. ઘટના બાદ કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી. તમામ કોર્ટ ગતિવિધિઓને હાલ સ્થગિત કરાઈ અને પોલીસે લોકોને સુરક્ષા વર્તવાની અપીલ કરી છે.