Last Updated on by Sampurna Samachar
ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-૨૧ રિટાયર્ડ
૧૯૬૫, ૭૧, ૯૯ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી લડાકૂ વિમાન રહેલું મિગ-૨૧ ૨૬ સપ્ટેમ્બરના રોજ સેવામુક્ત થઈ ગયું છે. આ વિમાન ભારતના પ્રથમ સુપરસોનિક લડાકૂ વિમાન તરીકે જાણીતું છે, જેણે ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ના યુદ્ધોમાં પાકિસ્તાનીઓના દિલમાં ભય પેદા કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ફ્લાઇંગ મશીને પોતાની સેવાના અંતિમ તબક્કામાં પણ પાકિસ્તાનની શાન ગણાતા F -૧૬ લડાકૂ વિમાનનો શિકાર કર્યો હતો. ચંદીગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મિગ-૨૧ ને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

સેવામુક્ત થવાના સમારોહમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ભારતીય વાયુસેનાના મિગ-૨૧ લડાકૂ વિમાનના કાફલાને વિદાય આપવા માટે હાજર રહ્યા હતા. તેમની સાથે CDS જનરલ અનિલ ચૌહાણ, COAS જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને CNS એડમિરલ દિનેશ કે ત્રિપાઠી પણ હાજર હતા.
મિગ-૨૧ દુનિયાનું સૌથી વધુ પ્રચલિત સુપરસોનિક ફાઇટર વિમાન
મિગ-૨૧ લડાકૂ વિમાનના કાફલાને સેવામુક્ત કરતા પહેલા, વિંગ કમાન્ડર રાજીવ બત્તીશ (નિવૃત્ત) એ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં કહ્યું હતું કે, મિગ-૨૧નો ઇતિહાસ ખૂબ લાંબો છે અને આટલી મોટી સંખ્યામાં લોકોનું એકઠા થવું એ સાબિત કરે છે કે આપણે સૌ આ વિમાન સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છીએ.
વિંગ કમાન્ડરે કહ્યું કે, જ્યાં સુધી ભારતનો સવાલ છે, લડાકૂ વિમાનોમાં સૌથી વધુ ઉડાન ભરવામાં આવી હોય તેવા વિમાનોમાં મિગ-૨૧ અગ્રણી છે. તે ખૂબ જ શક્તિશાળી વિમાન હતું, જે મોટાભાગે પૂર્વી બ્લોકના દેશો દ્વારા ઉડાડવામાં આવ્યું હતું. મિગ-૨૧ એક શાનદાર મશીન હતું અને તેનો પુરાવો એ છે કે દેશભરમાંથી અને વિદેશોમાંથી પણ આટલા બધા લોકો વિમાનને અલવિદા કહેવા અહીં આવ્યા છે.
આજે ૬૩ વર્ષની સેવા પૂરી થયા બાદ આ લડાકૂ વિમાનોને સેવામુક્ત કરવામાં આવ્યા. મિગ-૨૧ વિમાનોને ૧૯૬૩માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા અને સેવામુક્ત થતાં પહેલાં તેમણે છેલ્લી વાર ઉડાન ભરી હતી.
ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત છેલ્લા છ મિગ-૨૧ ફાઇટર વિમાનોએ ચંડીગઢમાં અંતિમ ઉડાન ભરી. આ ઘટનાએ ભારતના લશ્કરી ઇતિહાસના સૌથી લાંબા અને સૌથી વીરતાપૂર્ણ અધ્યાયોમાંનો એક અધ્યાય પૂરો કર્યો. ૧૯૬૩માં પ્રથમ વાર સેવામાં આવ્યા બાદ ૧૨૦૦ થી વધુ મિગ-૨૧ વિમાનોએ ભારતની આકાશી સરહદોનું રક્ષણ કર્યું હતું અને ૧૯૬૫, ૧૯૭૧, અને ૧૯૯૯ કારગિલ જેવા યુદ્ધો તથા ૨૦૧૯ની બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી.
૧૯૫૪માં મિકોયાન-ગુરેવિચ દ્વારા ડિઝાઇન કરાયેલું મિગ-૨૧ દુનિયાનું સૌથી વધુ પ્રચલિત સુપરસોનિક ફાઇટર વિમાન બની ગયું હતું. ૬૦થી વધુ દેશોની વાયુસેનાઓમાં તેનો દબદબો હતો. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી વાયુસેનાની ક્ષમતા વધારવાના ભાગરૂપે ભારતે ૧૯૬૩માં સોવિયેત યુનિયન સાથે કરાર કરીને પહેલા ૧૩ નંગ મિગ-૨૧ વિમાનોની ખરીદી કરી હતી.
આ વિમાનોની તાલીમ માટે ચંડીગઢમાં પહેલું સ્ક્વોડ્રન તહેનાત કરવામાં આવ્યું હતું. ૧૯૬૬ થી ૧૯૮૪ દરમિયાન, ભારતે વિવિધ મોડેલના કુલ ૮૭૪ વિમાનોની આયાત કરી હતી અને નાસિક સ્થિત ‘હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ’ ખાતે તેનું લાઇસન્સ-નિર્માણ પણ શરૂ કર્યું હતું.
મિગ-૨૧ને ઉડાડનારા પાયલટ્સ માટે તે કેવળ એક વિમાન નહોતું, પણ એક વિશ્વસનીય સાથી હતું. તેની મહત્તમ ગતિ મેક ૨ (અવાજની ગતિ કરતાં બમણી) અને ૧૮,૦૦૦ મીટર (૫૯,૦૦૦ ફૂટ) સુધી પહોંચવાની ક્ષમતા તેને એક ઘાતક ઇન્ટરસેપ્ટર બનાવતી. મિગ-૨૧ની કોકપિટની ડિઝાઇન આરામદાયક નહોતી. રશિયાના ઠંડા હવામાનને ધ્યાનમાં રાખીને બનાવેલી એર-કન્ડીશનિંગ સિસ્ટમ ભારતના ગરમ હવામાન માટે અપૂરતી હતી, જેના કારણે ઓછી ઊંચાઈએ ઉડાન દરમિયાન કોકપિટમાં પાયલટને ખૂબ ગરમી લાગતી.
મિગ-૨૧ની સૌથી શાનદાર સફળતા ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જોવા મળી હતી. ઉપખંડના પહેલા સુપરસોનિક એર કોમ્બેટમાં ભારતીય વાયુસેનાના મિગ-૨૧એ હવામાં સર્વોપરિતા સ્થાપિત કરીને પાકિસ્તાની વાયુસેનાના (અમેરિકન બનાવટના) એફ-૧૦૪ સ્ટારફાઇટર વિમાન સહિત અનેક અન્ય ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા. મિગ-૨૧ દુશ્મન દેશને એટલી હદે ભારે પડ્યા હતા કે એ પછી પાકિસ્તાને તેના બધા જ એફ-૧૦૪ વિમાનોને યુદ્ધક્ષેત્રથી દૂર કરી દીધા હતા. મલ્ટિ-રોલ મિગ-૨૧એ હવાઈ કરતબો કરવા ઉપરાંત રાત્રિ સમયે ઓછી ઊંચાઈએ ઊડાન ભરીને પાકિસ્તાની જમીન પર હુમલા કરવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
સોવિયેત યુનિયન અને ભારત ઉપરાંત ચીન, ઇજિપ્ત, ઇરાક અને વિયેતનામ જેવા ઘણાં દેશોની વાયુસેનામાં મિગ-૨૧એ મહત્ત્વનું સ્થાન મેળવ્યું હતું. વિયેતનામની વાયુસેનાએ વિયેતનામ યુદ્ધ દરમિયાન મિગ-૨૧ વડે ૧૬૫ અમેરિકન વિમાનોને તોડી પાડીને અમેરિકન વાયુસેનાના દાંત ખાટા કરી દીધા હતા.
સમય જતાં વૃદ્ધ થઈ ગયેલા મિગ-૨૧ અકસ્માતગ્રસ્ત થવા લાગ્યા. ૧૯૭૦ થી ૨૦૨૩ દરમિયાન, ભારતીય વાયુસેનાના ૪૮૨ મિગ-૨૧ ક્રેશ થયા, જેમાં ૧૭૦થી વધુ પાયલટ્સ અને ૪૦ નાગરિકોએ જીવ ગુમાવ્યા. મિગના અકસ્માતના મુખ્ય કારણો ‘વિમાનની લેન્ડિંગ સમયની તેજ ગતિ’, ‘જૂની ટેક્નોલોજી’ અને ‘નવા વિમાનોની વિલંબિત ભરતી’ને ગણવામાં આવે છે. ઊંચા અકસ્માત દરને લીધે આ વિમાનને ‘ફ્લાઇંગ કોફિન’ જેવું બદનામીકારક ઉપનામ મળ્યું.
મિગ-૨૧ની નિવૃત્તિને લીધે ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યા ૩૧ પર આવી ગઈ છે, જ્યારે કે આદર્શ સંખ્યા ૪૨ છે. આ ખાલીપો ભરવા માટે દેશની વાયુસેના પાસે હાલમાં સ્વદેશી તેજસ, ફ્રેંચ બનાવટના રાફેલ અને રશિયન સુખોઈ જેવા આધુનિક વિમાનો છે ખરા, છતાં કહેવું પડે કે ભારતના સૈન્ય ઈતિહાસમાં મિગ-૨૧ નો ફાળો અનન્ય છે.
આ યુદ્ધવિમાને ભારત-રશિયા વચ્ચેના દાયકાઓ જૂના લશ્કરી સહયોગને મજબૂત બનાવ્યો છે. છ દાયકાથી વધુ સમય સુધી ભારતના આકાશી સીમાડાનું રક્ષણ કરનાર મિગ-૨૧ નું નામ દેશના વાયુસેનાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ ચૂક્યું છે. ચંડીગઢમાં જ્યાં ૧૯૬૩માં પહેલું મિગ-૨૧ સ્ક્વોડ્રન તહેનાત થયું હતું, ત્યાં જ તેની છેલ્લી ઉડાનનું આયોજન કરીને ભારતે આ શૌર્યવાન યુદ્ધવિમાનને યથાયોગ્ય અંજલિ આપી છે.