Last Updated on by Sampurna Samachar
સરકારી કર્મચારીઓને ૨૫% DA આપવા સુપ્રીમનો આદેશ
કેન્દ્રીય DA અને રાજ્યના DA વચ્ચે ૩૭ ટકાનું અંતર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઝટકો આપી રાજ્યના સરકારી કર્મચારીઓને ૨૫ ટકા મોંઘવારી ભથ્થુ આપવા આદેશ કર્યો છે. ન્યાયાધીશ સંજય કરોલ અને સંદીપ મેહતાની બેંચે વચગાળાનો હુકમ જારી કર્યો છે અને બંગાળ સરકારને ત્રણ મહિનાની અંદર ૨૫ ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી ઓગસ્ટમાં હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના કેટલાક સરકારી કર્મચારીઓએ આ મામલે કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી બાકી રકમ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલું DA આપવાની માંગ કરી છે. હાઈકોર્ટે મે-૨૦૨૨માં સુનાવણી હાથ ધરી બંગાળ સરકારને કેન્દ્રીય દર જેટલો DA આપવાનો આદેશ કર્યો હતો.
રાજ્યના કર્મચારીઓમાં અસંતોષ
પશ્ચિમ બંગાળ સરકારે નવેમ્બર-૨૦૨૨માં સુપ્રીમ કોર્ટ ( SUPREME COUT) માં અરજી કરી કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે કેટલીક વખત DA વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ જે સમયે DA વધારવાની જાહેરાત કરાઈ, તે વખતે DA નો દર કેન્દ્રીય દરો સાથે મેળ ખાતો ન હતો.
એટલું જ નહીં કેન્દ્રીય DA અને રાજ્યના DA વચ્ચે ૩૭ ટકાનું અંતર પણ છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓને ૫૫ ટકા DA ની ચૂકવણી કરે છે. પશ્ચિમ બંગાળમાં ૨૦૨૪ માં ૧૪ ટકા DA હતું. ત્યારબાદ પહેલી એપ્રિલ-૨૦૨૫માં DA માં ચાર ટકાનો વધારો કરાયા બાદ વર્તમાન સમયમાં સરકારના કર્મચારીઓને ૧૮ ટકા DA મળે છે, આ કારણે રાજ્યના કર્મચારીઓમાં અસંતોષ છે. એપ્રિલમાં વધારા બાદ રાજ્યના ૧૦ લાખથી વધુ સરકારી કર્મચારીઓનું કુલ DA ૧૮ ટકાએ પહોંચ્યું છે.