Last Updated on by Sampurna Samachar
કેન્દ્ર સરકારે પાકિસ્તનને હોકી ટીમને ભારતમાં આપી મંજુરી
પાકિસ્તાન હૉકી ફેડરેશનનુ નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયા બાદ તેની અસર રમત-ગમત પર પડી રહી છે. ભારતમાં ૨૭ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં હૉકી એશિયા કપ-૨૦૨૫ યોજાવાનો છે, જેમાં કેન્દ્ર સરકારે પાકિસ્તાનની હૉકી ટીમને પણ આવવાની મંજૂરી આપી દીધી છે, જોકે હવે પાકિસ્તાને નવો ડ્રામા શરૂ કરી દીધો છે. આતંકવાદીઓને પોશનારા પાકિસ્તાનનું હૉકી ફેડરેશન ભારતમાં આવી સુરક્ષાની તપાસ કરવા માંગે છે.
પાકિસ્તાન આગામી મહિને યોજાનાર હૉકી ટુર્નામેન્ટમાં અને આ વર્ષના અંતે યોજાનાર જૂનિયર વર્લ્ડકપમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે. સરકારે પાકિસ્તાન હૉકી ટીમને મંજૂરી આપી દીધી છે. જોકે પાકિસ્તાન હૉકી ફેડરેશન (PHF) સત્તાવાર નિવેદન જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. ફેડરેશનના એક અધિકારીએ કહ્યું કે, ‘અમે અમારી હૉકી ટીમને ભારત મોકલતા પહેલા ત્યાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરીશું. જો ભારતમાં કોઈ ખતરો હશે તો અમે અમારી ટીમને ત્યાં નહીં મોકલીએ.’
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ UAE માં યોજાવાની ધારણા
ફેડરેશનના અધિકારીએ કહ્યું કે, ‘ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની નાગરિકો માટે ભારતનો પ્રવાસ કરવો સુરક્ષિત નથી. ભારતમાં યોજાનાર હૉકી ટુર્નામેન્ટમાં અમારી રાષ્ટ્રીય હૉકી ટીમને મોકલવા માટે સંબંધિત મંત્રાલયોની સલાહ અને મંજૂરી માંગવામાં આવી છે.’ PHF ના મહાસચિવ રાણા મુજાહિદે કહ્યું કે, ‘અમારી સરકારની મંજૂરી મળ્યા બાદ અમે અમારી ટીમને ભારત મોકલીશું. PHF હૉકી ટીમના ખેલાડીઓને સોશિયલ મીડિયા પર અપાતી ધમકીઓ પર નજર રાખી રહ્યું છે.’
બિહારના રાજગીરમાં હૉકી એશિયા કપ-૨૦૨૫ની શરૂઆત થવાની છે. આ ટુર્નામેન્ટ ૨૭ ઓગસ્ટથી સાત સપ્ટેમ્બ સુધી રમાવાની છે. રિપોર્ટ મુજબ રમત-ગમત મંત્રાલયે પાકિસ્તાની ટીમને ભારત આવવા મંજૂરી આપી દીધી છે. એશિયા કપ મેન્સ ટી૨૦ એશિયા કપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે. આ ટુર્નામેન્ટ ૪ કે ૫ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે અને ૨૧ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તે જ સમયે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ UAE માં યોજાવાની ધારણા છે.
અંતિમ સમયપત્રક અને સ્થળની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ટુર્નામેન્ટ માટે યુએઈ તટસ્થ સ્થળ બનવાનું લગભગ નક્કી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચ ૭ સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. આ જ મેદાન પર તાજેતરમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં પણ બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી.