Last Updated on by Sampurna Samachar
૨૦૨૫માં વધીને ૪.૩ ટ્રિલિયન ડોલરે પહોંચે તેવી શક્યતા
મજબૂત આર્થિક પાયો અને બિઝનેસ કરવામાં સરળતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લા ૧૦ વર્ષમાં ભારતીય GDP નું કદ બમણું થયું છે. ખાસ વાત એ છે કે ૨૦૧૫ થી ૨૦૨૫ ના સમયગાળામાં GDP ની વૃદ્ધિની ગતિ ૧૦૫ ટકા રહી છે, જે અમેરિકા અને ચીન જેવી વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ કરતાં ઘણી ઝડપી છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF )ના ડેટા અનુસાર, ૨૦૧૫ માં ભારતીય GDP નું કદ ૨.૧ ટ્રિલિયન ડોલર હતું, જે ૨૦૨૫માં વધીને ૪.૩ ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે. જે અંદાજે ૧૦૫ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
આ ૧૦-વર્ષના સમયગાળામાં, અમેરિકાના GDP નું કદ ૧૮.૩ ટ્રિલિયન ડોલરથી ૬૬ ટકા વધીને ૩૦.૩ ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. ચીનનું અર્થતંત્ર ૧૧.૧ ટ્રિલિયન ડોલરથી વધીને ૧૯.૫ ટ્રિલિયન ડોલર થશે, જે ૭૬ ટકાનો વધારો દર્શાવે છે.
મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI ) સ્કીમોએ રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કર્યો છે. મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને આઇટી સેક્ટરની સતત વૃદ્ધિએ પણ આર્થિક વૃદ્ધિને વેગ આપ્યો છે.
રિપોર્ટ અનુસાર, ભારત (BHARAT) વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. તેના મુખ્ય કારણોમાં નીતિઓમાં નક્કર સુધારા, મજબૂત આર્થિક પાયો અને બિઝનેસ કરવામાં સરળતા છે. આ ઝડપી ગતિના આધારે ભારત ૨૦૨૫ માં જાપાન અને ૨૦૨૭ માં જર્મની કરતાં મોટી અર્થવ્યવસ્થા બની જશે.