Last Updated on by Sampurna Samachar
૧૨૦૦ કિલો પતંગની દોરીથી ‘કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦’ નો આકર્ષક લોગો
‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટમાં ઇંધણ તરીકે વીજળી ઉત્પાદન માટે ઉપયોગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દર વર્ષે ઉત્તરાયણ બાદ રસ્તાઓ અને ઝાડ પર લટકતી પતંગની દોરીઓ પર્યાવરણ અને પક્ષીઓ માટે જોખમ ઊભું કરે છે. પરંતુ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ જોખમી કચરાને કલામાં પરિવર્તિત કરી એક નવી મિસાલ કાયમ કરી છે. ‘વેસ્ટ ટુ આર્ટ’ અભિગમ હેઠળ, શહેરમાંથી એકત્ર કરાયેલી ૧૨૦૦ કિલો પતંગની દોરીમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦’ નો આકર્ષક લોગો તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં આગામી વર્ષોમાં યોજાનાર ‘કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦’ અંગે નાગરિકોમાં અત્યારથી જ ઉત્સાહ અને જાગૃતિ વધે તે હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પતંગની દોરીને ફેંકી દેવાને બદલે તેને કલાત્મક સ્વરૂપ આપીને ખેલ જગતના મહાકુંભના પ્રતીક તરીકે કંડારવામાં આવી છે. લોગો બનાવ્યા બાદ વધેલી દોરીને વેસ્ટ ગણીને ફેંકવામાં નથી આવી, પરંતુ તેને AMCના ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટમાં મોકલી ઇંધણ તરીકે વીજળી ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવી છે.
પક્ષીઓ અને ટુ-વ્હીલર ચાલકોને થતી ઈજાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો
આ દોરી એકત્ર કરવા માટે ઉત્તરાયણ પર્વ દરમિયાન વિશેષ ‘કરૂણા અભિયાન’ ચલાવવામાં આવ્યું હતું. શહેરના ૭ ઝોન અને ૪૮ વોર્ડમાં ૧૫૦થી વધુ લિટર પીકઅપ વાહનો અને વિશેષ ટીમો દ્વારા જાહેર રસ્તાઓ પરથી દોરીનો કચરો વીણવામાં આવ્યો હતો. આ અભિયાનમાં રાંદલ માતા સમિતિ, ધી ઇક્વલ સોસાયટી, પક્ષી બચાવો-પારેવડા ગ્રુપ અને ખોખરા યુથ ફેડરેશન જેવી સંસ્થાઓએ ખભેખભા મિલાવી કામગીરી કરી હતી.
AMCની આ પહેલથી માત્ર રસ્તાઓ સાફ નથી થયા, પરંતુ રખડતી દોરીથી પક્ષીઓ અને ટુ-વ્હીલર ચાલકોને થતી ઈજાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કચરાના વ્યવસ્થિત નિકાલ અને તેમાંથી કલાના સર્જનના આ મોડેલની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે. AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો ઉદ્દેશ્ય જાેખમી કચરાને રિસાયકલ કરી તેનો સર્જનાત્મક ઉપયોગ કરવાનો છે. આ લોગો રમતગમત પ્રત્યેના પ્રેમને દર્શાવવાની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ પ્રતીક છે.