Last Updated on by Sampurna Samachar
દીવાલ નીચે શ્રમિક દટાતા મોત
ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના ગોપાલપુરા વિસ્તારમાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતાં એક ૩૩ વર્ષીય શ્રમિકનું કાટમાળ નીચે દટાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે તેના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.

મળતી માહિતી મુજબ, ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં એક જૂનું અને જર્જરિત મકાન ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મકાનની એક દીવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધસી પડી હતી. કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા જ ૩૩ વર્ષીય અમિતભાઈ મહિડા દીવાલના ભારેખમ કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
શ્રમિકના મોતથી વિસ્તારમાં ચકચાર
ઘટના બનતા જ આસપાસથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા. શ્રમિકોએ ભારે જહેમત ઉઠાવી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને યુવકને બહાર કાઢ્યા હતા. જોકે, દીવાલનો કાટમાળ સીધો શરીર પર પડતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે અમિતભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ડાકોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. એક આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.