Last Updated on by Sampurna Samachar
આસપાસના વિસ્તારોને એલર્ટ મોડ પર કરાયા
મજબૂત વરાળ અને ગેસનું ઉત્સર્જન થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાના દૂર પૂર્વના વિસ્તારમાંના કામશ્યતકા દ્વિપકલ્પમાં સવારે ૮.૮ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યા બાદ ફરી સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભૂકંપના કારણે કુરીલ આઈલેન્ડની ધરતી ધ્રુજી ગઈ છે. એટલું જ નહીં ભૂકંપના કારણે ૬૦૦ વર્ષ બાદ જ્વાળામુખી પણ ફાટ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારો એલર્ટ મોડ પર આવી ગયા છે.
અમેરિકન જિયોલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ, રશિયાના સેવેરો-કુરીલથી લગભગ ૧૨૧ કિલોમીટર પૂર્વમાં સાતની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભારતીય સમય અનુસાર ભૂકંપ સવારે ૧૧ કલાકે આવ્યો હતો. ભૂકંપ બાદ કામચટકા દ્વિપકલ્પ પર ક્રશેનિનિકોવ જ્વાળામુખી સક્રિય થઈ ગયો છે.
રશિયા વિશ્વના સૌથી વધુ જ્વાળામુખી ધરાવતા દેશોમાંનો એક
‘સિન્હુઆ’ સમાચાર એજન્સીએ પણ કહ્યું છે કે, ભૂકંપના કારણે કમચટકા આઈલેન્ડ પર ક્રશેનિનિકોવ જ્વાળામુખી ફાટી ગયો છે. કુરીલ દ્વિપ પર સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ભૂકંપ નિષ્ણાંતોના મતે કોઈપણ મોટો ભૂકંપ આવ્યા બાદ કેટલાક કલાકોથી લઈને કેટલાક દિવસો સુધી મોટા આંચકા અને સતત આવતા રહે છે. જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ તેની તીવ્રતા ઘટતી રહે છે. ૩૦ જુલાઈએ આવેલા ભૂકંપ બાદ જાહેર કરાયેલી સુનાવણીની ચેતવણી હટાવી લેવાઈ છે. આ ભૂકંપ આવ્યા બાદ બે ઓગસ્ટે પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા ૬.૦ આંકવામાં આવી હતી.
કમચટકા વોલ્કેનિક ઈરપ્શન રિસ્પોન્સ ટીમના જણાવ્યા મુજબ, ૧૮૫૬ મીટર ઊંચે આવેલા જ્વાળામુખીની રાખ લગભગ ૬૦૦૦ મીટર ઊંચે સુધી ઉડતી દેખાઈ છે. ટીમના પ્રમુખ ઓલ્ગા ગિરિનાએ કહ્યું કે, ૬૦૦ વર્ષમાં પહેલીવાર આવો વિસ્ફોટ સંભળાયો છે. જ્વાળામુખીના ઢોળાવ પર લાવા તિરાડો પડી રહી છે. ઉત્તર દિશામાં ખાડામાંથી રાખના વાદળો સતત બહાર આવી રહ્યા છે અને સાથે જ મજબૂત વરાળ અને ગેસનું ઉત્સર્જન પણ થઈ રહ્યું છે. આ જ્વાળામુખીનું નામ તેના શોધક સ્ટેપન ક્રેશેનિનિકોવના નામ પરથી રાખવામાં આવ્યું છે.
રશિયા વિશ્વના સૌથી વધુ જ્વાળામુખી ધરાવતા દેશોમાંનો એક છે. તેના મોટાભાગના સક્રિય જ્વાળામુખી દેશના દૂર પૂર્વ ભાગમાં, ખાસ કરીને કામચટકા દ્વીપકલ્પ અને ક્યુરિલ ટાપુઓ પર આવેલા છે. આ પ્રદેશો પેસિફિક મહાસાગરની આસપાસના ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિઓ માટે જાણીતા ‘રિંગ ઓફ ફાયર’ નો એક ભાગ છે.