Last Updated on by Sampurna Samachar
હજીરામાં L&T કર્મચારીઓનો ઉગ્ર વિરોધ
અનેક વાહનોમાં તોડફોડની સાથે આગચંપી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
L&T ના કર્મચારીઓના વિવાદના વાઈરલ વીડિયોની અસર સુરતના હજીરામાં જોવા મળી હતી. હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના નિર્માણધીન પ્લાન્ટમાં કામ કરતા L&T ના અંદાજે ૫૦૦૦ જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારા અને કામના કલાકો મુદ્દે ઉગ્ર આંદોલન કરી ભારે તોડફોડ મચાવી હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે લાઠીચાર્જ કરી ૪૦ જેટલા ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.

પાણીપત સ્થિત IOCL કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા, જેમાં L&T ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સંખ્યા સૌથી વધુ હતી. આ લોકોની માંગણીઓ પૂરી થતાં જ આ વિરોધના સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોની સીધી અસર હવે ગુજરાતના હજીરામાં આવેલી આર્સેલર મિત્તલ અને નિપ્પોનના પ્લાન્ટમાં જોવા મળી હતી.
૪૦ થી વધુ ટીયરગેસના શેલ છોડી હળવો લાઠીચાર્જ કરાયો
જ્યાં કામ કરતા L&T કંપનીના કરાર આધારિત કર્મચારીઓએ પગાર વધારા સહિતની માંગણીઓને લઇને ભારે હોબાળો મચાવ્યો હતો અને આ દરમિયાન અનેક વાહનોમાં તોડફોડની સાથે આગચંપી કરી હતી. જોકે, આ દરમિયાન સ્થિતિ વણસી હતી અને ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોમાં તોડફોડ કરી આગચંપી કરતા મામલો ગંભીર બન્યો છે

મળતી માહિતી અનુસાર, લાંબા સમયથી પડતર માંગણીઓ સંતોષવામાં આવી રહી ન હતી. શ્રમિકો પાસે ૧૨ કલાક કામ લેવામાં આવે છે, જેની સામે તેઓ ૮ કલાકની ડ્યુટીની માંગ કરી રહ્યા છે. હાલમાં ઓવરટાઇમ સિંગલ રેટ પર ચૂકવાય છે, જ્યારે શ્રમિકો ડબલ રેટની માંગ કરી રહ્યા છે. ઊંચાઈ પર જોખમી ઇરેક્શન કામ કરવા છતાં માત્ર ૬૦૦થી ૭૦૦ રૂપિયા જેટલું જ વેતન આપવામાં આવે છે.
વહેલી સવારે શરૂ થયેલો દેખાવ ગણતરીની મિનિટોમાં હિંસક બન્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ કંપનીની ત્રણ ફાયર ફાઇટર ગાડીઓમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને બાઈકોને આગ ચાંપી હતી. એન્ટ્રી-એક્ઝિટ ગેટ પરના અત્યાધુનિક પ્રવેશ મશીનો અને ઓફિસોમાં તોડફોડ કરી હતી.ઘટનાની જાણ થતા જ સુરત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
હિંસક ટોળાને વિખેરવા માટે પોલીસે ૪૦ થી વધુ ટીયરગેસના શેલ છોડ્યા હતા અને હળવો લાઠીચાર્જ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ અત્યાર સુધીમાં ૨૫થી વધુ શ્રમિકોની અટકાયત કરવામાં આવી છે.હાલમાં સમગ્ર પ્લાન્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ હવે કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન માટે મંત્રણાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જોકે, પ્લાન્ટમાં હજુ પણ તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે.