Last Updated on by Sampurna Samachar
આફ્રિકામાં ફેલાયો કોરોના કરતાં વધુ ખતરનાક બિમારી
એશિયામાં પણ સૌથી વધુ નવા રોગચાળા ચીનમાં જ ઉદ્ભવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આફ્રિકામાં ઈબોલા અને ઝીકા જેવા જીવલેણ વાયરસે આતંક મચાવ્યા બાદ હવે વધુ એક નવો વાયરસ ફેલાઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સેન્ટ્રલ આફ્રિકા (AFRICA) ના કોંન્ગોમાં ફેલાયેલા આ વાયરસથી ૫૦થી વધુ લોકોના મોત થયા છે. બોમેટે શહેરમાં રહસ્યમય વાયરસથી અનેક લોકોના મોત થયા બાદ તે કોરોના કરતાં પણ ખતરનાક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આફ્રિકામાં ફેલાયેલા નવા ઘાતક વાયરસ અંગે સ્થાનિક ડૉક્ટરો અને વિશ્વ આરોગ્ય સંગઠને ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા છે. ડૉક્ટરોએ કહ્યું કે, મોટાભાગના કેસોમાં વાયરસના લક્ષણ દેખાયા બાદ માત્ર ૪૮ કલાકમાં મોત થાય છે, તેથી આ સ્થિતિ ભયાનક અને ચિંતાજનક છે.
આ વાયરસમાં ૪૧૯ લોકો સપડાયા
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, સૌ પ્રથમ ૨૧ જાન્યુઆરીએ વાયરસનો કેસ સામે આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં ૪૧૯ લોકો સંક્રમિત થયા છે. બોમેટે શહેરમાં ૯ જાન્યુઆરીએ રહસ્યમય મોતની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય તંત્ર ઍલર્ટ પર આવી ગયું હતું અને પીડિત લોકોના સેમ્પલ લીધા બાદ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
આફ્રિકા સ્થિત વિશ્વ આરોગ્ય સંગઠનની ઑફિસના જણાવ્યા મુજબ, રહસ્યમય વાયરસનો પ્રથમ કેસ બોલોલો શહેરમાં નોંધાયો હતો, જ્યાં ત્રણ બાળકોએ ચામાચીડીયું ખાધું હતું. ત્યારબાદ તેઓને અતિશય તાવ આવ્યો અને ૪૮ કલાકમાં મોત થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી આફ્રિકા અને એશિયા જેવા ખંડોમાં જાનવરોમાં માણસોમાં વાયરસ પહોંચવાના કેસોમાં વધારો થયો છે. WHO ઓએ ૨૦૨૨માં કહ્યું હતું કે, પાછલા દાયકામાં આફ્રિકામાં આવા કેસોમાં ૬૦ ટકાથી વધુનો વધારો થયો છે.
કોલેરા, પ્લેગ, ડેન્ગ્યુ, હિપેટાઇટીસ બી સી અને ઈ, મંકી પોક્સ, એન્થ્રેક્સ, એવિયન ઇન્ફલ્યુએન્ઝા, ક્રિમિઅન કોંગો હેમોરહેજિક ફીવર, રિફ્ટ વેલી ફીવર, યલો ફીવર અને ઝિકા વાયરસ જેવા ડરામણા રોગોની શરુઆત આફ્રિકામાં થઈ હતી.
‘જાપાનીઝ એન્સેફાલીટીસ વાયરસ’, ‘બ્લેક ડેથ’ અને ‘બરમાહ ફોરેસ્ટ વાયરસ’ જેવી બીમારીઓ એશિયામાં ઉદ્ભવી હતી. એશિયામાં પણ સૌથી વધુ નવા રોગચાળા ચીનમાં જ ઉદ્ભવ્યા છે. ચીને દુનિયાને ‘સાર્સ’, ‘એશિયન ફ્લુ’ અને ‘કોરોના વાયરસ’ની ભેટ આપી છે.