Last Updated on by Sampurna Samachar
કર્ણાટક સરકારે હાઈકોર્ટને સોંપ્યો રિપોર્ટ
RCB ને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટક સરકારે બેંગલુરુમાં IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે હાઇકોર્ટમાં વિગતવાર અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં સરકારે ભાગદોડ માટે RCB ને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી છે. તેમાં ટીમના અનુભવી ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે કહ્યું હતું છે કે RCB એ વિજય ઉજવણી માટે પરવાનગી લીધી ન હતી, તેણે ફક્ત સૂચના આપી હતી.
રિપોર્ટમાં ગંભીર બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે ૪ જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ માટે RCB ને જવાબદાર ઠેરવ્યું હતું. RCB એ અચાનક પોલીસની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર વિજય પરેડનું આયોજન કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે લાખો લોકો સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા. ભાગદોડ દરમિયાન ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
કર્ણાટક સરકારે રિપોર્ટમાં કહ્યું હતું કે વિજય પરેડ દરમિયાન ઘણી બેદરકારી થઈ છે અને કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. આ કાર્યક્રમનું આયોજન કરતી કંપની DNA નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડે ૩ જૂને જ પોલીસને જાણ કરી હતી, પરંતુ ૨૦૦૯ ના આદેશ મુજબ પરવાનગી લીધી ન હતી. કોઈપણ ઘટના ન બને તે માટે પોલીસે મર્યાદિત કાર્યક્રમ માટે પરવાનગી આપી હતી પરંતુ અપેક્ષા કરતાં વધુ લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
કોહલી ટીમનો અનુભવી ખેલાડી અને RCB નો ચહેરો
સરકારે હાઈકોર્ટમાં સુપરત કરેલા રિપોર્ટમાં વિરાટ કોહલીનો ઉલ્લેખ છે. સરકારે કહ્યું હતું કે RCB એ ૪ જૂને એક જાહેર કાર્યક્રમને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયો દ્વારા કોહલીએ ચાહકોને કાર્યક્રમમાં મફતમાં હાજરી આપવા કહ્યું હતું.
ઇવેન્ટ આયોજક DNA નેટવર્ક્સ પ્રાઇવેટ લિમિટેડે ફક્ત ૩ જૂને પોલીસને જાણ કરી હતી પરંતુ ૨૦૦૯ના આદેશ મુજબ જરૂરી પરવાનગી લીધી ન હતી. આ કારણે પોલીસે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. છતાં RCB એ ૪ જૂને સોશિયલ મીડિયા પર જાહેરમાં ઇવેન્ટનો પ્રચાર કર્યો હતો.
વિરાટ કોહલીએ એક વીડિયોમાં ચાહકોને આવવાની અપીલ કરી હતી. ઇવેન્ટમાં ભીડ અપેક્ષા કરતા ઘણી વધારે હતી જેના કારણે સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. ઇવેન્ટ શરૂ થાય તેના થોડા સમય પહેલા બપોરે ૩:૧૪ વાગ્યે આયોજકોએ અચાનક જાહેરાત કરી કે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પાસ જરૂરી રહેશે. આનાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.