Last Updated on by Sampurna Samachar
BCCI ના ર્નિણયને કારણે થયો વિવાદ
હાલ વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે, પરંતુ કોહલીની ફિટનેસ ટેસ્ટ અન્ય ખેલાડીઓની જેમ બેંગ્લુરૂમાં લેવાના બદલે લંડનમાં થતાં વિવાદ સર્જાયો છે. મોટાભાગના ભારતીય ખેલાડીઓએ બેંગ્લુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ફિટનેસ ટેસ્ટ આપી હતી. જ્યારે વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ આપી હતી. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી હાલ પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, કોહલીએ યુકેમાં પોતાની ફિટનેસ ટેસ્ટ આપવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વિશેષ પરવાનગી લીધી હતી. જ્યારે ટીમના મોટાભાગના ખેલાડીઓની ફિટનેસ ટેસ્ટ બેંગ્લુરૂમાં થઈ હતી. કોહલીએ આ ટેસ્ટ પાસ તો કરી લીધી છે, પણ લંડનમાં ફિટનેસ ટેસ્ટ માટે મળેલી ખાસ છૂટના કારણે વિવાદ સર્જાયો છે.
BCCI પાસે મંજૂરી માંગી
વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી હતો, જેણે પોતાની ફિટનેસ ટેસ્ટ દેશની બહાર આપી. રિપોર્ટમાં અન્ય કોઈ ખેલાડીએ આ પ્રકારની છૂટ માગી ન હોવાનું જાણવા મળ્યું છે. જાે કે, આ પ્રકારની છૂટ મળી શકે કે કેમ તેના પર ચર્ચા છેડાઈ છે. આ મામલે BCCI ના એક અધિકારીને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે, કોહલીએ આ પ્રકારની છૂટ માટે BCCI પાસે મંજૂરી માગવામાં આવી હશે.
જોકે, હજી જાણવા મળ્યું નથી કે, કયા નિયમ હેઠળ આ પ્રકારની છૂટ આપવામાં આવે છે, તેમજ અન્ય કોઈ ખેલાડીને પણ છૂટ મળી શકે કે કેમ. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે ખેલાડીઓએ પોતાની ફિટનેસ ટેસ્ટ આપી છે.
તેમાં રોહિત શર્મા, મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ, જિતેશ શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, ઋતુરાજ ગાયકવાડ, અભિનવ મનોહર, રિંકૂ સિંહ, આવેશ ખાન, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, રવિ બિશ્નોઈ, સંજૂ સેમસન, શિવમ દુબે, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, મુકેશ કુમાર, હાર્દિક પંડ્યા, સરફરાજ ખાન, તિલક વર્મા, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, ધ્રુવ જુરેલ, શાર્દૂલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર અને યશસ્વી જયસ્વાલ સામેલ હતા. ફિટનેસ ટેસ્ટમાં ખેલાડીઓને યો-યો સ્કોર અને બેઝિસ સ્ટ્રેન્થ ટેસ્ટનું આંકલન સામેલ હતી.
રિપોર્ટ મુજબ, ઋષભ પંત, અને રવિન્દ્ર જાડેજા સહિતના અમુક દિગ્ગજ ખેલાડીઓની ફિઝિકલ ટેસ્ટ આ મહિને થશે. ફિટનેસ ટેસ્ટનું બીજુ ચરણ હજુ બાકી છે. જેમાં કેએલ રાહુલ, આકાશ દીપ, નીતિશકુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંત જેવા ખેલાડીઓ સામેલ થશે.