Last Updated on by Sampurna Samachar
રોહિત અને વિરાટ વચ્ચે હવે ફક્ત બે ખેલાડીઓ
ODI રેન્કિંગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણી દરમિયાન ICC એ એક મોટી જાહેરાત કરી છે. ICC એ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. ICC ODI બેટ્સમેનોની રેન્કિંગમાં અનુભવી ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર ઝડપથી ટોચના સ્થાન તરફ આગળ વધી રહ્યો છે. રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ODI માં, કોહલીએ ૧૨૦ બોલમાં ૧૩૫ રનની યાદગાગ ઈનિંગ રમી સદી ફટકારી હતી, જેના કારણે તેના ODI રેન્કિંગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

તાજેતરના ICC રેન્કિંગ અનુસાર, કોહલી હવે બેટ્સમેનોની ODI રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેનું રેટિંગ વધીને ૭૫૧ પોઈન્ટ થયું છે, જેનાથી તે ટોચના ક્રમાંકિત રોહિત શર્માથી માત્ર ૩૨ પોઈન્ટ પાછળ છે. આનાથી કોહલીની ફરીથી વિશ્વનો નંબર ૧ ODI બેટ્સમેન બનવાની આશા વધુ મજબૂત બને છે. રોહિત અને વિરાટ વચ્ચે હવે ફક્ત બે ખેલાડીઓ છે. ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ ODI રેન્કિંગમાં બીજા સ્થાને છે, જ્યારે અફઘાનિસ્તાનનો શક્તિશાળી બેટ્સમેન ઇબ્રાહિમ ઝદરાન ત્રીજા સ્થાને છે.
કુલદીપ આ ફોર્મેટમાં સૌથી વધુ રેન્કિંગ ધરાવતો ભારતીય
નોંધનીય છે કે છેલ્લા દાયકાના અંતમાં કોહલી સતત ત્રણ વર્ષથી વધુ સમય સુધી નંબર-૧ સ્થાન પર રહ્યો હતો. જોકે, એપ્રિલ ૨૦૨૧ માં પાકિસ્તાનના બાબર આઝમે તેને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું. ભારતના કેપ્ટન શુભમન ગિલનો પણ રોહિત અને વિરાટ સાથે ટોચના ૧૦ ODI બેટ્સમેનોમાં સમાવેશ થાય છે. જોકે, ગિલ એક સ્થાન નીચે આવી ગયો છે અને હવે તે ૫મા ક્રમે છે. ૬ઠ્ઠા ક્રમેથી ૧૦મા ક્રમે કોઈ ફેરફાર થયો નથી.
બોલર કુલદીપ યાદવ ODI બોલરોના રેન્કિંગમાં એક સ્થાન આગળ વધીને છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. તેની સતત ઉત્તમ બોલિંગ ટીમને મજબૂત બનાવી રહી છે. ન્યુઝીલેન્ડનો મિશેલ સેન્ટનર એક સ્થાન નીચે આવી ગયો છે અને હવે તે ૭મા ક્રમે આવી ગયો છે. રાશિદ ખાન નંબર-૧ ODI બોલર યથાવત છે. જાેફ્રા આર્ચર બીજા ક્રમે છે અને કેશવ મહારાજ ત્રીજા ક્રમે છે.
કુલદીપ આ ફોર્મેટમાં સૌથી વધુ રેન્કિંગ ધરાવતો ભારતીય છે. આ દરમિયાન, ભારતના અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તી T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં પ્રભુત્વ ધરાવે છે. અભિષેકના ૯૨૦ રેટિંગ પોઈન્ટ છે, જે તેને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટથી ઘણો આગળ રાખે છે.