Last Updated on by Sampurna Samachar
આ ખાસ કેપ માટે ત્રણ દિવસમાં ત્રણ ખેલાડીઓ બદલાયા
ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી ૫૦૫ રન સાથે ટોપ પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL માં વિરાટ કોહલીએ વધુ એક અડધી સદી બનાવીને કમાલ કરી બતાવી છે. આ કમાલથી તેને ઓરેન્જ કેપ વિવિધ ટીમોના ખેલાડીઓના માથે સજ્યા બાદ પરત મળી ગઈ છે. ત્રણ દિવસમાં ત્રણ ખેલાડીઓના હાથમાં ઓરેન્જ કેપ (ORANGE CAP) આવી પણ તેમની પાસે ટકી શકી નથી.
કારણ કે ટોપમાં રહેલા તમામ ખેલાડીઓ સારા રન બનાવી રહ્યા છે. મે મહિનાની ૧ થી ત્રણ તારીખમાં અલગ-અલગ ખેલાડીઓ પાસે ઓરેન્જ કેપ આવી છે. જેમાં અંતે ચેન્નાઈ સામેની મેચમાં કોહલીએ તાબડતોબ બેટિંગ કરીને ટીમ માટે રન બનાવ્યા અને ઓરેન્જ કેપ પણ પાછી મેળવી લીધી છે. નોંધનીય છે કે, IPL ૨૦૨૪ની સીઝનમાં ઓરેન્જ કેપ વિરાટ કોહલીએ જીતી હતી.
સાંઇ સુદર્શનથી એક રન આગળ નીકળી ગયો
વિરાટ કોહલીએ ઓપનિંગમાં આવીને શરુઆતથી જ ધબાધબી બોલાવવાનું શરુ કરી દીધું હતું. કોહલીએ ૧૮૭.૮૮ની સ્ટ્રાઈક રેટથી ૩૩ બોલમાં ૬૨ રન બનાવીને આઉટ થયો હતો. જેમાં તે સાંઈ સુદર્શનથી એક રન આગળ નીકળી ગયો અને ઓરેન્જ કેપ પર કબજો કરી લીધો છે. હવે બે દિવસ પછી ફરી એકવાર ઓરેન્જ કેપ માટેની રેસ જોવા મળશે. જેમાં ગુજરાત અને મુંબઈના પ્લેયર્સ ટોપ-૫માં છે.
ઓરેન્જ કેપ મેની પહેલી તારીખે મુંબઈ ઈન્ડિયન્સના તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પાસે આવી ગઈ હતી, પરંતુ ૨જી મેના રોજ આ કેપ સૂર્યાના માથેથી ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શનના માથે આવી ગઈ હતી. ઓરેન્જ કેપ સાંઈ સુદર્શન પાસે એક દિવસ પણ ન રહી અને તેના પર વિરાટ કોહલીએ ત્રીજી મેના રોજ કબજો કરી લીધો હતો.
ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી સાંઈ સુદર્શનથી બહુ આગળ ગયો નથી, કોહલી સાંઈ સુદર્શનથી માત્ર એક જ રન આગળ છે અને હવે GT ની આગામી મેચ ૯મી મેના રોજ રમાવાની છે અને તે પહેલા ઓરેન્જ કેપ પોતાના નામે કરવા માટે સાંઈ સુદર્શન પાસે તક છે. કારણ કે GT ૬ઠ્ઠી મેએ MI સામે રમવા માટે ઉતરવાની છે.
ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી ૫૦૫ રન સાથે ટોપ પર છે જ્યારે બીજા નંબરે સાંઈ સુદર્શન (૫૦૪), ત્રીજા નંબરે સૂર્યકુમાર યાદવ (૪૭૫), ચોથા નંબરે જોસ બટલર (૪૭૦) અને પાંચમા નંબરે GT કેપ્ટન શુભમન ગિલ (૪૬૫) છે. આમ ટોપ-૨ પ્લેયર્સ વચ્ચે માત્ર ૧ રનનો અને ૩, ૪ અને ૫ નંબરના પ્લેયર્સ વચ્ચે ૫-૫ રનનો ફરક છે.