Last Updated on by Sampurna Samachar
મામલતદારે આ કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિરમગામમાં ડાંગર ખરીદી કૌભાંડનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. આ કૌભાંડમાં કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ મુખ્ય આરોપી હજુ સુધી ફરાર છે.
મળતી માહિતી અનુસાર, ૨૦ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. વિરમગામના સેન્ટર પર આ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો. ઉચાપતની રકમ રૂ. ૩.૬૭ કરોડની ડાંગરની બોરીઓ ઓછી નીકળી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓ ૭ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી સુફિયાન મંડલી છે. હાલમાં ૨ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે. મામલતદારે આ કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે પ્રયાસો ચાલુ છે. આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે વિવિધ ટીમ બનાવી છે અને તેઓની શોધખોળ ચાલુ છે. આ કૌભાંડમાં સુફિયાન મંડલીના નામથી જ ગાડી નીકળતી હોવાનું સામે આવ્યું છે. અનાજ ભરેલી ગાડી સુફિયાન મંડલી કોન્ટ્રાક્ટથી નીકળી હતી. એક વર્ષ બાદ પોલીસ ફરિયાદ થતા આ કૌભાંડનો ખુલાસો થયો છે.
આ કૌભાંડના પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગ થઈ રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના વિરમગામ પંથકમાં ચર્ચાનો વિષય બની છે.