DYSP ના નેજા હેઠળ તમામ VIP મૂવમેન્ટ અને બંદોબસ્ત રહશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરમાં VIP તથા VVIP અવરજવર દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે વિશેષ યુનિટની રચના કરવામાં આવી છે. ગાંધીનગર રાજ્યનું પાટનગર છે. ત્યારે ગાંધીનગર પોલીસના માથે બંદોબસ્તની વિશેષ જવાબદારી રહેતી હોય છે. વર્ષોથી શહેર અને જિલ્લામાં વડાપ્રધાન, મુખ્યમંત્રીથી માંડીને VIP , VVIP મૂવમેન્ટ તેમજ બંદોબસ્ત માટે જિલ્લાના સ્થાનિક પોલીસ મથકના અધિકારીથી લઈ પોલીસ કર્મચારીઓને ખડેપગે ગોઠવાઈ જવું પડતું હતું. જોકે હવે કોઈપણ VIP મૂવમેન્ટ – બંદોબસ્ત માટે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની રચના કરાઈ છે. હવેથી એક DYSP ના નેજા હેઠળ તમામ VIP મૂવમેન્ટ અને બંદોબસ્ત પ્રોટોકોલ યુનિટ દ્વારા કરવામાં આવશે.
રાજ્યનું પાટનગર હોવાના કારણે ગાંધીનગરમાં સતત મહાનુભાવોની અવર-જવર રહેતી હોય છે. વાઈબ્રન્ટ મહોત્સવ, વિવિધ સમિટ-એક્ઝિબિશન દરમિયાન ગાંધીનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોએ એલર્ટ થઈ જવું પડે છે. ખાસ કરીને વીઆઈપી મહાનુભાવોનો કાફલો જે રૂટ પરથી પસાર થવાનો હોય ત્યાં સ્થાનિક પોલીસ મથકના પીઆઈથી માંડીને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓએ રોજિંદી કામગીરી અટકાવીને બંદોબસ્ત માટે દોડવું પડે છે.
VIP અવર-જવર દરમિયાન પણ ગાંધીનગર જિલ્લાની પોલીસની રોજિંદી કામગીરી ખોરવાય નહીં, તે માટે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની રચના કરાઈ છે. રાજ્યનું પાટનગર હોવાના કારણે વર્ષોથી ગાંધીનગરમાં પ્રોટોકોલ વિભાગ ઊભો કરવા વિચારણા ચાલી રહી હતી. ત્યારે રવિ તેજા વાસમશેટ્ટીએ જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસની સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેમાં મોટાભાગે જે તે પોલીસ મથકના પોલીસ અધિકારીથી માંડી કર્મચારીઓ વીઆઈપી મૂવમેન્ટ – બંદોબસ્તમાં દોડતા રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતું.
એસપી રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચ ઊભી કરવા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેનાં પગલે હવે ગાંધીનગર પોલીસને મુખ્યમંત્રીથી માંડીને વીઆઇપી મૂવમેન્ટ- બંદોબસ્ત માટે ગમે તે ઘડીએ દોડવું નહીં પડે. કેમ કે, ગાંધીનગરમાં સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની રચના કરી દેવાઈ છે. આ માટે DYSP ના વડપણ હેઠળ નવો વિભાગ બનશે. જેમાં ત્રણ PI , ૧૦ PSI ઉપરાંત ૧૪૭ પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. પ્રોટોકોલ શાખાની ટીમ પોલીસની રોજિંદી કામગીરી કરવાના બદલે માત્ર VIP મૂવમેન્ટ – બંદોબસ્તની ફરજ બજાવશે.
અત્યાર સુધીમાં એવું બનતું આવ્યું છે કે, ગાંધીનગરમાં આવતા VVIP મોટા ભાગે રાજભવન-મંત્રી આવાસ, મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગિફ્ટ સિટી જેવા સ્થળે જતા હોય છે. વળી અહીંયા રાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે. જ્યાં વિવિધ કાર્યક્રમો દરમિયાન VIP ની હાજરી રહેતી હોય છે. કોઈ મહાનુભાવ અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ ગાંધીનગરમાં પ્રવેશ કરે ત્યારથી પોલીસની કામગીરી શરૂ થઈ જતી હતી. VIP નો કાફલો વિવિધ વિસ્તારમાંથી પસાર થાય ત્યારે સ્થાનિક પોલીસે બંદોબસ્ત માટે ઊભા રહેવું પડે છે. આ કામગીરીમાં ઘણી વખત આખો દિવસ પસાર થઈ જતો હોય છે.
ગાંધીનગર પોલીસની પેટ્રોલિંગ, ડિટેક્શન અને ડોક્યુમેન્ટેશન જેવી રોજિંદી કામગીરીને VIP મૂવમેન્ટ દરમિયાન અસર પહોંચતી હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ લાંબા સમયથી ચાલી રહેલી આ વિચારણાનો અમલ કરવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. જેના પગલે રાજ્ય પોલીસ વડા તરફથી પ્રોટોકોલ શાખા શરૂ કરવા મંજૂરી અપાઈ હતી.
ગાંધીનગર પ્રોટોકોલ શાખામાં સ્વેચ્છાએ ફરજ બજાવવા માગતા હોય તેવા હથિયારી PSI પાસે અધિક પોલીસ મહાનિદેશક હથિયારી એકમોની કચેરી તરફથી અરજી મંગાવવામાં આવી છે. સ્વચ્છ સેવાકીય રેકોર્ડ ધરાવતા હથિયારધારી PSI ના રિપોર્ટ મેળવી સ્પષ્ટ અભિપ્રાય સાથે રજૂ કરવા માટે રાજ્યના તમામ પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક અને સેનાપતિઓને સૂચના આપવામાં આવી છે. આ અંગે એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ જણાવ્યું કે, ખાસ પ્રોટોકોલ બ્રાન્ચની રચના કરાઈ છે. જેમાં એક DYSP , ત્રણ PI , દસ PSI તેમજ ૧૪૭ પોલીસ કર્મચારીઓ હશે. જે માત્ર VIP , VVIP મૂવમેન્ટ – બંદોબસ્તની કામગીરી કરશે.