Last Updated on by Sampurna Samachar
હડતાળથી સ્મારકના સંચાલનને અસર થઈ
ફ્રાન્સના ૨૦૦ થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફ્રાન્સમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શનોએ રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. સરકારી નીતિઓનો વિરોધ કરવા માટે રાજધાની પેરિસ સહિત ૨૦૦ થી વધુ શહેરો અને નગરોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આંદોલનકારીઓની મુખ્ય માંગ સામાજિક કલ્યાણ કાર્યક્રમોમાં કાપ મૂકવાને બદલે શ્રીમંતો પર કર વધારવાની હતી.
પેરિસમાં આંદોલનકારીઓએ પ્લેસ ધઇટાલી થી કૂચ શરૂ કરી હતી. ભીડમાં કામદારો, નિવૃત્ત લોકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિરોધ પ્રદર્શન એટલા વ્યાપક હતો કે, પેરિસનો પ્રખ્યાત એફિલ ટાવર પણ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. વહીવટીતંત્રે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, હડતાળથી સ્મારકના સંચાલનને અસર થઈ છે.
વિગતવાર બજેટ રૂપરેખા રજૂ કરી નથી
ફ્રાન્સના મુખ્ય યુનિયનો દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. યુનિયનોએ સરકારને પૂર્વ વડા પ્રધાનની બજેટ યોજના છોડી દેવાની સ્પષ્ટ હાકલ કરી હતી, જેમાં સામાજિક કલ્યાણ કાર્યક્રમો પર રોક અને સરકારી ખર્ચમાં મોટા પાયે કાપનો સમાવેશ થતો હતો.
તેઓ દલીલ કરે છે કે, આવા પગલાં સામાન્ય જનતાની, ખાસ કરીને નીચલા અને મધ્યમ આવક ધરાવતા જૂથોની આર્થિક સ્થિતિને વધુ ખરાબ કરશે. આ જ કારણ છે કે, તેઓ સતત શ્રીમંતો પર વધુ કરવેરા માંગી રહ્યા છે.
ફ્રાન્સના નવા વડા પ્રધાન, સેબેસ્ટિયન લેકોર્નુએ તાજેતરમાં જ પદ સંભાળ્યું છે, પરંતુ તેમણે હજુ સુધી તેમના સંપૂર્ણ મંત્રીમંડળની જાહેરાત કરી નથી અથવા વિગતવાર બજેટ રૂપરેખા રજૂ કરી નથી. એવી અપેક્ષા છે કે, આગામી દિવસોમાં સરકાર રચના પ્રક્રિયા પૂર્ણ થશે, અને વર્ષના અંત સુધીમાં સંસદમાં બજેટ પર ચર્ચા કરવામાં આવશે. હાલમાં, આ વિરોધ પ્રદર્શનોએ લેકોર્નુની નવી સરકાર પર વધારાનું દબાણ બનાવ્યું છે, કારણ કે જનતા અને યુનિયનો ખર્ચમાં કાપ મૂકવા માટે તૈયાર નથી.