Last Updated on by Sampurna Samachar
દીપડો અંદાજે ૪ થી ૫ વર્ષનો નર દીપડો હોવાનું વન વિભાગે કહ્યું
ઘણા સમયથી દીપડાના હતા આંટાફેરા
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા ગામે છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપેલો હતો. જોકે, વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં રાત્રિ દરમિયાન એક કદાવર દીપડો કેદ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

માહિતી મુજબ મુસા ગામમાં દીપડાના વારંવાર જોવા મળતા હોવાથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગની ટીમે ગામમાં પાંજરું ગોઠવ્યું હતું. આ પાંજરામાં મૂકવામાં આવેલા મારણની લાલચમાં રાત્રિના સમયે એક દીપડો આવી ચડ્યો હતો અને પાંજરામાં પગ મૂકતા જ દરવાજો બંધ થઈ ગયો હતો.
દીપડાને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં છોડાયો
પાંજરામાં પુરાયેલો દીપડો અંદાજે ૪ થી ૫ વર્ષનો નર દીપડો હોવાનું વન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દીપડાના કારણે તેઓ રાત્રિના સમયે ખેતરમાં જવા કે બહાર નીકળતા પણ ડરતા હતા. દીપડો પાંજરે પુરાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. વન વિભાગ દ્વારા આ દીપડાને સુરક્ષિત રીતે પકડીને તેને માનવ વસ્તીથી દૂર ઊંડા જંગલ વિસ્તારમાં છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.