Last Updated on by Sampurna Samachar
બિહારમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ-RJD ટેન્શનમાં
‘હું તેમના માટે પોતાનો જીવ પણ આપી દઈશ’
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના રાજકીય કોરિડોરમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ પહેલા મહા ગઠબંધનમાં રાજકીય ખેંચતાણ વધુ તીવ્ર બની ગઈ છે. વિકાસશીલ ઈન્સાન પાર્ટી પ્રમુખ મુકેશ સહાનીએ ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ અને કોંગ્રેસનું ટેન્શન વધારી દીધું છે.
મુકેશ સહાનીએ જાહેરાત કરી છે કે, અમારી પાર્ટી બિહાર (BIHAR) માં ૬૦ વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે અને ૧૫૦ બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ વચ્ચે મુકેશ સહાનીએ નિષાદ અનામતની માંગ કરતા વધુ એક મોટું નિવેદન આપ્યું છે.
‘સન ઑફ મલ્લાહના‘ ના નામથી જાણીતા મુકેશ સહાની
મુકેશ સહાનીએ કહ્યું કે, ‘જો મોદીજી નિષાદ સમુદાયને અનામત આપશે, તો હું તેમના માટે પોતાનો જીવ પણ આપી દઈશ. ‘સન ઑફ મલ્લાહના‘ ના નામથી જાણીતા મુકેશ સહાનીએ કહ્યું કે, ‘અમારી પાર્ટી નિષાદ અને અત્યંત પછાત વર્ગનો અવાજ છે, જેમનો હિસ્સો ભાગીદારી જેટલો જ હોવો જોઈએ. અમે ૬૦ બેઠકો પર ચૂંટણી લડીશું અને ૫૦% બેઠકો પછાત, અત્યંત પછાત અને અનુસૂચિત જાતિ માટે હશે.‘
તેમણે દાવો કર્યો કે, ‘અમારી પાર્ટી ઓછામાં ઓછી ૪૦ બેઠકો જીતશે અને સરકારના ગઠનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અમારી પાર્ટી VIP એ ૨૪૩ બેઠકો માટે તૈયારીઓ કરી છે, પરંતુ અમે ૬૦ બેઠકો પર ઉમેદવારો ઉતારીશું. ‘મુકેશ સહાનીનું આ નિવેદન મહાગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે.
૨૦૨૦માં સહાનીએ તેજસ્વી પર દગો આપવાનો આરોપ લગાવીને મહાગઠબંધન છોડી દીધું હતું. ત્યારબાદ તેમણે તમામ ૨૪૩ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં NDA સાથે ગઠબંધન કરી લીધુ હતું. ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં સહાની ફરીથી મહાગઠબંધનમાં પાછા ફર્યા, જ્યાં RJD એ તેમને ગોપાલગંજ, મોતીહારી અને ઝંઝારપુરની ત્રણ બેઠકો આપી હતી. હવે સહાનીની ૬૦ બેઠકોની માંગણીએ ગઠબંધનમાં તણાવ પેદા કર્યો છે.