Last Updated on by Sampurna Samachar
આ નાની જગ્યામાં ૨૫,૦૦૦થી વધુ લોકો ઉમટ્યા
પોલીસ ફરિયાદ કરી આરોપો લગાવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના કરૂરમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની ચૂંટણી રેલીમાં સર્જાયેલી નાસભાગ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ દુર્ઘટનામાં ૪૧ લોકોના મોત થયા હતા, અને ૮૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. વાત કરીએ તો ફરિયાદમાં TVK ચીફ વિજય અને તેમના પક્ષના ત્રણ અન્ય નેતાઓને આ દુર્ઘટનામાં જવાબદાર ઠેરવ્યા છે.

પોલીસે TVK ના જિલ્લા સચિવ મથિયાઝગન, રાજ્ય મહાસચિવ બુશી આનંદ અને રાજ્ય સંયુક્ત સચિવ સીટીઆર ર્નિમલ કુમાર વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫, ૧૧૦, ૧૨૫ (બી), ૨૨૩ અને તમિલનાડુ જાહેર સંપત્તિ અધિનિયમની કલમ ૩ હેઠળ કેસ નોંધ્યો છે.
TVK ના કાર્યકરોએ યોગ્ય રીતે વ્યવસ્થા ન કરી
FIR માં આરોપ મૂકાયો છે કે, વિજયની રેલી માટે અગિયાર શરતો નક્કી કરવામાં આવી હતી, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે ૫૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. બપોરે ૧૨ વાગ્યે વિજયના રેલીમાં આગમનની જાહેરાત થતાં સવારે ૧૦ વાગ્યાથી જ સ્થળ પર ભીડ એકઠી થવા લાગી હતી. મથિયાઝગને ૧૦,૦૦૦ લોકોની ભીડ માટે પરવાનગી માંગી હતી, પરંતુ આ નાની જગ્યામાં ૨૫,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત હતાં.
FIR માં વધુમાં જણાવ્યું કે, વિજય સાંજે ૪.૪૫ વાગ્યે કરૂર જિલ્લામાં પહોંચી ગયા હતા. પરંતુ રેલી સ્થળ પર જાણીજોઈને મોડા પહોંચ્યા. તેમજ પરવાનગી વિના રોડ શો કર્યો. વહીવટીતંત્ર દ્વારા રેલી માટે નક્કી કરાયેલી શરતોનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે જનતા અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં પોલીસને અસુવિધા થઈ. વિજયની બસ સાંજે ૭ વાગ્યે વેલુચમીપુરમ પહોંચી, પરંતુ રેલીમાં પહોંચવામાં જાણી જોઈને વિલંબ કરતાં ભીડ સતત વધી રહી હતી.
પોલીસ અધિકારીઓએ મથિયાઝગન, બુશી આનંદ, અને સીટીઆર ર્નિમલ કુમારને એલર્ટ આપ્યું હતું કે, ભીડના કારણે સ્થિતિ અંકુશ બહાર થઈ રહી છે, જેનાથી લોકોના શ્વાસ રૂંધાવા, શારીરિક જોખમ વધ્યું છે. પરંતુ ટીવીકેના નેતાઓએ આ ચેતવણીને અવગણી.
ફરિયાદ મુજબ, ટીવીકે નેતાઓના કાર્યકરોએ યોગ્ય રીતે વ્યવસ્થા કરી ન હતી. જેથી સ્થિતિ વણસી હતી. લોકો ઝાડની ડાળીઓ અને રસ્તાની બાજુમાં આવેલી દુકાનોના શેડ પર ચઢી ગયા. ઘણા ઝાડ પરથી નીચે પડ્યા હતા. ભીડમાં ફસાઈ ગયા હતા, જેના લીધે નાસભાગ થઈ હતી.
ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિજયને બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી કાર્યક્રમ યોજવાની પરવાનગી હતી, પરંતુ તે કરુર જિલ્લાની સરહદમાં ચાર કલાક મોડા પ્રવેશ્યો હતો. આ વિલંબ જાણી જોઈને મોટી ભીડને રેલીમાં આકર્ષવા અને તેને રાજકીય બળ તરીકે રજૂ કરવા માટે કરવામાં આવ્યો હતો.
હજારો લોકો વિજયની રાહ જોતા તડકામાં ઉભા હતા, જેના કારણે ઘણા લોકો ડિહાઈડ્રેટ અને બેભાન થયા હતાં. આ નાસભાગમાં ૪૧ લોકોના મોત થયા હતા, જ્યારે ૮૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.