Last Updated on by Sampurna Samachar
હાલના તણાવ માટે ઈરાન અને ફક્ત ઈરાન જ જવાબદાર
ઈરાને ૧૫૦ થી વધુ મિસાઈલો છોડી તબાહી મચાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગ છેડાઈ ગઈ છે. ઈઝરાયેલે ઈરાન પર એટેક કરીને તેહરાનમાં ભીષણ તબાહી મચાવી હતી. હુમલાઓના કારણે હાહાકાર મચ્યો છે. હવે ઈરાને પણ પલટવાર કર્યો છે. જ્યાં એક ખૌફનાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ઈરાની મિસાઈલ કેવી રીતે આયર્ન ડોમ તોડીને ઈઝરાયેલના ડિફેન્સ હેડક્વાર્ટર પર જઈ પડી. આયર્ન ડોમ ઈઝરાયેલની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ છે.
આયર્ન ડોમ ઈઝરાયેલની અત્યંત શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ છે જે હવાઈ હુમલાથી રક્ષા મુખ્યાલયની સુરક્ષા કરે છે. તેલ અવીવ ઉપરાંત અન્ય શહેરોને ટાર્ગેટ કરીને ઈરાને ૧૫૦ થી વધુ મિસાઈલો છોડી છે. આ હુમલાઓના કારણે ઈઝરાયેલને ભારે નુકસાન થયું છે. વીડિયોમાં મિસાઈલ ગુંબજને તોડીને રક્ષા મુખ્યાલય પર પડતી જોવા મળી રહી છે.
ઈરાને નાગરિક વસાહતો પર અંધાધૂંધ મિસાઈલો છોડી
આ વીડિયોને એક્સ પર પોસ્ટ કરી લખાયું છે કે ઈરાને પહેલા હુમલા હેઠળ તેલ અવીવ સ્થિત ઈઝરાયેલી રક્ષા મંત્રાલયના મુખ્યાલયને નિશાન બનાવ્યું. ૧૯ સેકન્ડનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં માર્ગનિટ ટાવર પણ જોઈ શકાય છે. જે તેલ અવીવનું એક પ્રમુખ લેન્ડમાર્ક છે.
ત્યારબાદ IDF એ જણાવ્યું કે સમગ્ર દેશ પર ઈરાનથી હુમલા થઈ રહ્યા છે. ઉત્તર ઈઝરાયેલના અનેક વિસ્તારોમાં મિસાઈલ એલર્ટ બાદ લોકો સુરક્ષિત સ્થળોને શોધવા માટે ભાગતા જોવા મળ્યા. IDF ના પ્રવક્તા લેફ્ટેનન્ટ કર્નલ નદાવ શોશનીએ એક્સ પર લખ્યું કે મધ્ય પૂર્વમાં હાલના તણાવ માટે ઈરાન અને ફક્ત ઈરાન જ જવાબદાર છે.
પરમાણુ હથિયાર હાંસલ કરવા અને ઈઝરાયેલને નક્શાથી ભૂસાડી દેવાની તેમની ચાહત જ અમને અહીં સુધી લાવી છે. આ ઉપરાંત લખ્યું છે કે ઈઝરાયેલે હજારો માઈલ દૂરથી આતંકી ઠેકાણાઓ પર સટીક હુમલા કર્યા પરંતુ ઈરાને નાગરિક વસાહતો પર અંધાધૂંધ મિસાઈલો છોડી. એક પક્ષ બહાદૂરીથી ઓપરેશન કરે છે અને પોતાના નાગરિકોને સુરક્ષિત કરે છે. બીજો પક્ષ કાયરોની જેમ છૂપાય છે અને નાગરિકોને નિશાન બનાવે છે. બસ આટલું જ તમારે જાણવું જોઈએ.