Last Updated on by Sampurna Samachar
મુખ્ય આરોપી BNP નો સ્તાનિક નેતા હોવાનો ખૂલાસો
પોલીસે પાંચ નરાધમોની કરી ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશના કુમિલા શહેરમાં હિન્દુ મહિલા પર દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપી ફજોર અલી સહિત પાંચ લોકોની ધરપકડ કરાઈ છે. બાંગ્લાદેશ પોલીસના જણાવ્યાનુસાર, ફજોરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય આરોપીએ તેનો વીડિયો બનાવ્યો હતો.
નોંધનીય છે કે, આરોપી ફજોર અલી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) નો સ્થાનિક નેતા છે. કુમિલા SP નઝીર અહેમદ ખાને જણાવ્યું હતું કે, પીડિત મહિલાએ મુરાદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ કરી
અહેવાલો અનુસાર, દુષ્કર્મની ઘટના રાત્રે બની હતી. ૨૧ વર્ષીય પીડિત મહિલાનો પતિ દુબઈમાં કામ કરે છે અને તેને બે બાળકો છે. તે બાળકો સાથે તેના પિતાના ઘરે ગઈ હતી. તે છેલ્લા ૧૫ દિવસથી બાળકો સાથે ત્યાં રહી રહી હતી. પીડિત મહિલાના જણાવ્યાનુસાર, ફઝોર અલી રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યો અને તેને ઘરનો દરવાજો ખોલવાનું કહ્યું. જ્યારે મે ના પાડી, ત્યારે તેણે અન્ય શખસો સાથે બળજબરીથી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો અને મારા પર દુષ્કર્મ આચર્યું હતું.
કુમિલા એસપી નઝીર અહેમદ ખાને જણાવ્યું હતું કે, પોલીસે ૨૮મી જૂને આખી રાત દરોડા પાડ્યા હતા. ત્યારબાદ બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ બહેચર પચકિટ્ટા ગામના રહેવાસી છે. ફજોર ઉપરાંત, અન્ય ચાર આરોપીઓમાં મોહમ્મદ સુમન, રમઝાન અલી, મોહમ્મદ આરીફ અને મોહમ્મદ અનિકનો સમાવેશ થાય છે. આ લોકો પર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ છે. હાલ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગે ઢાકા યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ ૨૮ મી જૂને મોડી રાત્રે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમણે આ ઘટના માટે ન્યાયની માંગ કરી હતી.