Last Updated on by Sampurna Samachar
વીજળીની સમસ્યા અંગે ફરિયાદ કરતાં બોલ્યા “જય શ્રી રામ”
વાયરલ વિડીયોની લોકોએ કરી ટીકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના ભૂતપૂર્વ IAS અરવિંદ કુમાર શર્મા જેઓ લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂક્યા છે, તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં UP ના લોકો ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં ઉર્જા મંત્રી તરીકે કાર્યરત એ.કે. શર્માને વીજળીની સમસ્યા અંગે ફરિયાદ કરે છે, જેના જવાબમાં લોકોને ખાતરી આપવાને બદલે મંત્રી શર્મા “જય શ્રી રામ” કહે છે અને કારમાં બેસે છે.
લોકો શર્માના આ વીડિયોની આકરી ટીકા કરી રહ્યા છે કે, ધર્મના નામે ચૂંટણીમાં મતદાન કર્યા પછી લોકોને વીજળી માંગવાનો અધિકાર નથી. જો સામાન્ય લોકો રસ્તા, વીજળી, શિક્ષણ, રોજગાર વગેરેની માંગણી કરવા લાગે, તો પછી ધર્મના ઠેકેદાર બનીને ધાર્મિક બનીને નારા લગાવનારા નેતાઓની કોણ પરવા કરશે ?
ગુજરાતમાં ભાજપ ત્રણ દાયકાથી વધુ સમયથી સત્તામાં
એ.કે. શર્માનો આ વીડિયો જોઈને એ પણ પ્રશ્ન થાય છે કે ગુજરાતમાં શર્માજી કેવા પ્રકારની નોકરશાહી ચલાવતા હશે કે લોકોની સમસ્યાઓ જાહેરમાં સાંભળવાને બદલે, તેઓ હાથ જોડીને કારમાં બેઠા ? શર્માના વીડિયોમાં દર્શાવવામાં આવેલ ઉત્તર પ્રદેશના લોકોની દુર્દશા ગુજરાતના લોકો કરતાં પણ વધુ ખરાબ છે. લોકો ખરાબ રસ્તાઓ, તૂટેલા પુલ વગેરે જેવી જાહેર સેવાઓની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને ગુજરાત સરકારના મંત્રીઓ ફક્ત ખાતરી આપતા જોવા મળે છે. ભાજપ ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી સત્તામાં છે.
ઉત્તર પ્રદેશના મઉના રહેવાસી શર્મા ૧૯૮૮માં ગુજરાત કેડરના IAS હતા. ગુજરાતમાં એક વરિષ્ઠ IAS અધિકારી હોવાથી શર્મા નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા. ત્યારથી જ ગુજરાતમાં તેમના ખાસ અને વિશ્વાસુ અધિકારી રહ્યા છે. જે દિવસે મોદીએ ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી તે દિવસે શર્માને મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
એટલું જ નહીં, જ્યારે મોદી વડાપ્રધાન બન્યા પછી દિલ્હી ગયા ત્યારે તેઓ શર્માને પોતાની સાથે લઈ ગયા. IAS અધિકારી તરીકે દોઢ વર્ષનો કાર્યકાળ બાકી હતો ત્યારે, એ.કે. શર્માએ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી અને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો.