Last Updated on by Sampurna Samachar
હરણી પોલીસે તાતત્કાલિક ધોરણે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી
થોડુક બેલેન્સ ગયુ હોત તો મોટી દુર્ઘટના સર્જાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ખોડીયારનગર વિસ્તારમાં એક જેસીબી પર સાતથી આઠ શ્રમિકોને બેસાડીને જોખમી રીતે પૂરપાટ ઝડપે હંકારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયોના આધારે હરણી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ વડોદરાના ખોડીયારનગર ચાર રસ્તાથી દરજીપુરા હાઈવે તરફ જઈ રહેલા એક જેસીબીના આગળના ભાગમાં અને પાછળના ભાગે અનેક શ્રમિકો બેઠા હતા. એક જાગૃત નાગરિકે આ જોખમી સવારીનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જો સહેજ પણ બેલેન્સ બગડ્યું હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
પોલીસ અને RTO ની કડક ચેકિંગ જરૂરી બની
ટ્રાફિક પોલીસની ફરિયાદના આધારે હરણી પોલીસે આરોપી ડ્રાઈવર મુમતાજ હકીમ મિયા આલમની ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશનમાં આરોપીએ પોતાની ભૂલ સ્વીકારી કાન પકડીને માફી માંગી હતી. તેણે કબૂલાત કરી હતી કે, “આ મારી ભૂલ હતી, હવે પછી ક્યારેય આવું જોખમી કામ નહીં કરું.” પોલીસે તેની પાસે ઉઠક-બેઠક પણ કરાવી હતી.
શહેરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે પૂરપાટ ઝડપે પસાર થતા આ જેસીબી પર કોઈ ટ્રાફિક પોલીસની નજર કેમ ન પડી? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત? શહેરમાં ખાસ કરીને ભારે વાહનો ચાલકો બેફામ વાહન હંકારીને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે પોલીસ અને આરટીઓની કડક ચેકિંગ જરૂરી બની છે.