Last Updated on by Sampurna Samachar
વિડીયોને તોડી – મરોડીને પ્રસારિત કરવામાં આવ્યો
રાજ્ય મહિલા આયોગે પણ નોંધ લીધી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુવતીઓ પર આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ સર્જાયેલા હોબાળા પર કથાવાચક અનિરૂદ્ધાચાર્ય હવે બેકફૂટ પર આવ્યા છે. તેમનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, મારી અમુક બહેનો આ પ્રસારિત થઈ રહેલા વીડિયોથી દુ:ખી છે. કહેવા માંગુ છું કે, અમુક છોકરીઓ એવી છે કે, ચાર જગ્યાએ ફરીને કોઈને ઘરે જશે, તો શું તે કોઈ સંબંધોને નિભાવી શકશે. આથી છોકરી હોય કે છોકરો બંને ચરિત્રવાન હોવા જોઈએ.
કથાવાચકનો આ વીડિયો વાઈરલ થતાં ભારે હોબાળો મચ્યો હતો. જેથી કથાવાચકે સ્પષ્ટતા આપવી પડી કે, આ વાત મેં અમુક છોકરીઓ અને અમુક લોકો માટે કહી હતી, પરંતુ તેને તોડી-મરોડીને પ્રસારિત કરવામાં આવ્યો છે.
કથાકારને તેમના નિવેદન પર નોટિસ મોકલાશે
અમેરિકામાં કથા કરી રહેલા કથાકાર અનિરુદ્ધાચાર્યએ રિલીઝ થયેલા વીડિયોમાં કહ્યું છે કે તાજેતરમાં, ઇન્દોરના રાજા રઘુવંશીની તેની જ પત્નીએ હત્યા કરી હતી, જે ફક્ત ૨૫ વર્ષની હતી. આ છોકરીએ કોઈ અજાણી વ્યક્તિને કારણે પોતાના પતિની હત્યા કરી હતી. એવું સાંભળવા મળ્યું છે કે કેટલીક છોકરીઓ આવી જ હોય છે. જ્યારે મારા વાઈરલ વીડિયોમાં કેટલીક શબ્દ કાઢી નાખવામાં આવ્યો છે. જેના લીધે હોબાળો થયો છે.
કથાવાચક અનિરૂદ્ધાચાર્યે કહ્યું કે, ‘કેટલાક’ શબ્દ હટાવી વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. જેથી લોકોએ તેનો ખોટો અર્થ કાઢ્યો છે. મેં ક્યારેય નારીનું અપમાન કર્યુ નથી. નારી આપણી લક્ષ્મી છે. અમે વ્રજમાં શ્યામસુંદર રાધારાનીના ચરણ દબાવીએ છીએ. તેમ છતાં મારી અધૂરી વાત સાંભળી કોઈ પણ બહેન-બેટીની લાગણી દુભાઈ હોય તો મને અવશ્ય ક્ષમા કરજો.
વૃંદાવનના કથાકાર અનિરુદ્ધાચાર્ય મહિલાઓ પર વિવાદાસ્પદ નિવેદન બાદ વિવાદોમાં મુકાયા હતા. તેમના નિવેદન પર મહિલા સંગઠનો અને અન્ય લોકોના વિરોધ બાદ, રાજ્ય મહિલા આયોગે પણ નોંધ લીધી હતી. રાજ્ય મહિલા આયોગના પ્રમુખ ડૉ. બબીતા સિંહ ચૌહાણે કહ્યું હતું કે કથાકારને તેમના નિવેદન પર નોટિસ મોકલવામાં આવશે અને જવાબ માંગવામાં આવશે.