Last Updated on by Sampurna Samachar
રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂરતા તણાવનો માહોલ
પાટણમાં પશુપાલક અને ઢોર ડબ્બાના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણ જિલ્લામાં પશુપાલકોની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે, જેને કારણે વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. વાયરલ વીડિયોમાં પશુપાલકો અને ઢોર ડબ્બાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને દાદાગીરી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર, કેટલાક પશુપાલકોએ ઢોર ડબ્બાના કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું, તેમને અપશબ્દો કહ્યા હતા અને ધમકીઓ આપ્યાનો પણ આક્ષેપ સામે આવ્યો છે.

આ ઉપરાંત, વીડિયોમાં દેખાય છે કે પશુપાલકોએ નિયમોને અવગણીને ઢોર ડબ્બામાંથી બળજબરીપૂર્વક ગાયો છોડાવી લીધી હતી. કર્મચારીઓએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, પશુપાલકોના આક્રમક વલણને કારણે તેઓ નિરાધાર બન્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પશુપાલકોની મનમાની અને કાયદા પ્રત્યેની ઉદાસીનતા સામે આવી છે. આ ઘટનાએ તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ સવાલો ઉભા કર્યા છે, જ્યારે સ્થાનિક લોકોમાં પણ આ બાબતે નારાજગી જોવા મળી રહી છે.
લાકડીઓ લઈને શખ્સો દાદાગીરી પર ઉતરી આવ્યા
પાટણમાં પશુપાલકોની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે, નગરપાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીઓએ રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂર્યા હતા અને પારેવા સર્કલ પાસે નગરપાલિકા હસ્તકની જગ્યામાં ૧૫ થી વધુ ગાયોને રખાઈ હતી ત્યારે પશુપાલકોએ જોહુકમી અને દાદાગીરી કરી ઢોર ડબ્બાના કર્મચારીઓને બિભત્સ ગાળો બોલી ઢોરોને છોડાવી ગયા હતા. એક સાથે ગાયો દોડતા રોડ ઉપર અફરાતફરિ મચી હતી.
પશુપલકોની અનેક વખત દાદાગીરી આવી સામે પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે, ધોકા અને લાકડીઓ લઈને શખ્સો દાદાગીરી કરવા આવ્યા હતા અને ગાયોને છોડાવી ગયા હતા, આ મામલે પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન કરશનલાલ પાલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વિપુલ અમરતભાઈ ભરવાડ, વિષ્ણુમનુભાઈ ભરવાડ, રોહીત ઉર્ફે ભાણો ભરવાડ, ટીનો રબારી અને ભોપો ભરવાડ નામના પાંચ શખ્સોના નામનો ઉલ્લેખ છે.