વરાછા પોલીસે હત્યારાને ઝડપવા તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના વરાછા વિસ્તારમાં પ્રેમ કહાનીનો કરુણ અંજામ આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી પ્રેમમાં પડેલા પ્રેમી યુગલોએ પરિવારને કહેતા તેમની સગાઈ કરાવી દીધી હતી. પરંતુ શંકાશીલ પ્રેમી દ્વારા પ્રેમિકા પર આશંકા રાખીને મોડી રાત્રે ચપ્પુના ઘા મારી પ્રેમિકાની હત્યા કરતી નાંખી હતી. આ આરોપી ફરાર થઈ જતા હાલ વરાછા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતના વરાછા ખાતે એક પ્રેમ કહાનીનો કરુણ અંજામની ઘટના સામે આવી છે. મૂળ બનાસકાંઠાના વડાગામ ખાતે રહેતો સંદીપ પાઘડીને બોર્ડર ઉપર આવેલા ડુંગરપુર ગામ ખાતે રહેતી વર્ષા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.
જોકે આ બંનેનો પ્રેમસંબંધ વતનથી સુરત સુધી પહોંચ્યો હતો. આ બંને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. સંદીપ પાઘડી કતારગામ વિસ્તારના કારખાનામાં રહેતો હતો અને ત્યાં જ કામ કરતો હતો. જ્યારે વર્ષા વરાછા વિસ્તારની હરિધામ સોસાયટીમાં પરિવારના સભ્ય સાથે રહેતી હતી.
જોકે, આ બંનેના પ્રેમ સંબંધને લઈને સમગ્ર મામલો પરિવાર પાસે પહોંચતા પરિવારે તેમની સગાઈ પણ કરાવી આપી હતી. વર્ષા અને સંદીપની પ્રેમ કહાની સમય જતા આગળ વધી રહી હતી. ત્યારે સંદીપ છેલ્લા બે દિવસથી ખૂબ જ ટેન્શનમાં હતો અને કતારગામ વિસ્તારના જે કારખાનામાં કામ કરતો હતો ત્યાંથી નોકરી છોડી દીધી હતી. તે રડતો રડતો પ્રેમિકા વર્ષાના ઘરે પહોંચ્યો હતો. તેને પ્રેમ સંબંધ અન્ય કોઈ વ્યક્તિ સાથે હોવાનો વહેમ રાખી અને પ્રેમિકા પર ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી તેની ઘાતકી હત્યા કરી નાંખી હતી. હત્યા કરી પ્રેમી સંદીપ પાઘડી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા વરાછા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.