અગાઉ પણ વારાણસી થી નવી દિલ્હી જતી ટ્રેનમાં ભોજન બાબતે ફરિયાદ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ત્રણ મહિનામાં જ ફરી એકવાર વારાણસીથી નવી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનની અંદર ભોજનમાંથી જીવાત મળવાનો મામલો સામે આવ્યો છે. ટ્રેનની અંદર કેટરિંગ દ્વારા મુસાફરને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળતા મુસાફરે ફરિયાદ બુકમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ ૧ સપ્ટેમ્બરના રોજ પણ આ જ વંદે ભારતમાં એક મુસાફરે નાસ્તામાં ઓમેલેટ માંગી હતી અને જ્યારે તેણે ઓમલેટ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમાંથી કોકરોચ નીકળ્યો હતો.
વિકાસ કુમાર નામના મુસાફરને પ્રયાગરાજથી નવી દિલ્હી જવાનું હતું. તે કોચ નંબર સી ત્રણની સીટ નંબર ૨૫ પર મુસાફરી કરી રહ્યો હતો. તેમની સીટ પર જ કેટરિંગ દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું. જ્યારે તેણે ખાવાનું શરૂ કર્યું ત્યારે અચાનક તેના શાકમાંથી જીવાત નીકળી.
યાત્રીએ આ અંગે ફરિયાદ કરી તો આસપાસ બેઠેલા યાત્રીઓએ પણ શાકમાં જીવાત જોઈને પોતાનો નાસ્તો અને ભોજન ચેક કર્યું અને પછી જોત-જોતામાં હોબાળો મચી ગયો. TTE અને IRCTC સ્ટાફે પેસેન્જરને શાંત કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. વિવાદ વધતો જોઈને તેમની ફરિયાદ નોંધી લેવામાં આવી.
યાત્રીઓએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન ફતેહપુરના પૂછ નજીક પહોંચી હતી. આ પહેલા આગ્રા હઝરત નિઝામુદ્દીન વંદે ભારત, શિરડીથી મુંબઈ જતી વંદે ભારતમાં પણ ભોજનમાંથી કોકરોચ નીકળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન રેલ્વે કેન્ટરિંગ ટુરિઝમએ આ ઘટનાની નોંધ લેતા કોન્ટ્રાક્ટર પર નબળી ગુણવત્તાયુક્ત ભોજન પીરસવા બદલ દંડ ફટકાર્યો છે. વંદે ભારતમાં ફૂડનો કોન્ટ્રાક્ટ દિલ્હીના આરકે એસોસિએટ્સ પાસે છે.