Last Updated on by Sampurna Samachar
દારૂની હેરફેર રોકવા માટે પણ પોલીસે કમર કસી
પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ, હોટલો પર પોલીસની બાજ નજર
(સંપૂર્ણ સમાચાર સેવા)
31 ડિસેમ્બરને લઇ સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર થઈ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. વલસાડ જિલ્લાને અડીને આવેલ સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે દમણ, દાદરા નગર હવેલી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે આથી લોકો ઉજવણીના ભાગ રૂપે આ પ્રદેશોમાં જતા હોય છે. જોકે કેટલાક લોકો દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા હોય છે ત્યારે આવા લોકોને પકડીને કાયદાના પાઠ ભણાવવા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે. આ સાથે જ દારૂની છૂટ ધરાવતા આ પ્રદેશોમાંથી ગેરકાયદેસર રીતે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ પણ કરતા હોય છે. ત્યારે દારૂની હેરફેર રોકવા માટે પણ પોલીસે કમર કસી છે.
ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના ૧૫૦ થી વધુ કેસો નોંધાયા
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ વખતે ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષને લઈને ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાયમી ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવશે આ સાથે જ જિલ્લામાં ૩૬ જેટલા પોઇન્ટ પર વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
સાથે ગેરકાયદેસર રીતે આયોજિત થતી દારૂની મહેફિલો પર રોક લગાવવા જિલ્લામાં આવેલા પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ, હોટલો પર પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. અત્યાર સુધી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના ૧૫૦ થી વધુ કેસો કરવામાં પણ આવ્યા છે.
સાથે જ ચાલુ માસમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રોબિશનના ૩૨ જેટલા કેસો કરી ૧ કરોડથી વધુનો વિદેશી દારૂ અને વાહનો સહિત ૫ કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
હજુ પણ ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષને લઈને વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ છે અને જિલ્લામાં પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાશે અને દારૂ પીને આવતા લોકોની સાથે દારૂ લઈને ગુજરાતમાં પ્રવેશતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે.