Last Updated on by Sampurna Samachar
યુદ્ધના માહોલ વચ્ચે મદદની પોકાર
આ માછીમારો મુશ્કેલીમાં મુકાતા તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો જાહેર કરી ભારત સરકાર પાસે વતન પરત લાવવાની આજીજી કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ જિલ્લાના ઉમરગામ અને મરોલી વિસ્તારના અનેક માછીમાર પરિવારો અત્યારે ચિંતાના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. રોજગારીની શોધમાં ઈરાન ગયેલા વલસાડના અનેક માછીમારો ત્યાં ફસાઈ ગયા છે. મધ્ય પૂર્વમાં વકરી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે આ માછીમારો મુશ્કેલીમાં મુકાતા તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો જાહેર કરી ભારત સરકાર પાસે વતન પરત લાવવાની આજીજી કરી છે.

વલસાડના ઉમરગામ તાલુકા અને મરોલી ગામના અનેક યુવાનો દરિયાઈ માછીમારીના વ્યવસાય માટે ઈરાન ગયા હતા. જાેકે, છેલ્લા કેટલાક સમયથી ઈરાન અને પડોશી દેશો વચ્ચે સર્જાયેલા યુદ્ધ જેવા તણાવભર્યા માહોલને કારણે આ માછીમારો દરિયામાં કે કિનારે સુરક્ષિત રહ્યા નથી. ફસાયેલા માછીમારોએ જે વીડિયો જાહેર કર્યો છે, તેમાં તેમની લાચારી અને ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
વતનમાં રહેતા માછીમારોના પરિવારો પણ આ સમાચાર સાંભળીને હેબતાઈ ગયા છે. પોતાના વ્હાલસોયા પુત્રો અને ઘરના મોભીઓ સુરક્ષિત પરત આવે તે માટે પરિવારો રાત-દિવસ પ્રાર્થના કરી રહ્યા છે. માછીમારોએ વીડિયોમાં વિનંતી કરી છે કે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય તાત્કાલિક દખલગીરી કરે અને તેમને વહેલી તકે વતન પરત લાવવાની વ્યવસ્થા કરે.