રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ ૭૨ કલાકનો બંધ પાળવાની જાહેરાતથી હાલાકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કટરાના પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ અંગે સ્થાનિક લોકોમાં રોષ યથાવત રહ્યો છે. સ્થાનિકોના વિરોધના કારણે ત્રણ દિવસ સુધી અર્થાત ૭૨ કલાક સુધી કટરામાં બંધ પાળવાની જાહેરાત કરવામાં આવી છે. જેના લીધે વૈષ્ણોદેવી મંદિરે જતાં શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. કટરામાં પ્રસ્તાવિત રોપવે પરિયોજનાના વિરોધમાં પિટ્ઠુ, દુકાનદારો અને વેપારીઓ બંધને સમર્થન આપશે.
બંધની જાહેરાત કરતાં માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિએ જણાવ્યું હતું કે, બંધ દરમિયાન કટરામાં તમામ ગતિવિધિઓ સ્થગિત રહેશે. સમિતિના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘અમે રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ ૭૨ કલાકનો બંધ પાળવાની જાહેરાત કરી છે. અમે આ હડતાળને સફળ બનાવવા માટે કટરાના તમામ રહેવાસીઓનો સહયોગ માંગીએ છીએ.
દર વર્ષે લગભગ એક કરોડ ભક્તો વૈષ્ણોદેવીના દર્શન માટે આવે છે. જેને ધ્યાનમાં રાખતાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે રોપ-વે સ્થાપિત કરવાનો ર્નિણય કર્યો છે. તેનો ઉદ્દેશ્ય વૈષ્ણોદેવી યાત્રાને પ્રોત્સાહન આપવાનો તેમજ વૃદ્ધો, બાળકો અને બીમાર ભક્તોને ૧૩ કિલોમીટર લાંબા ટ્રેક પરથી રાહત આપવાનો છે.
રોપ-વે પ્રોજેક્ટ તારાકોટ માર્ગથી શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં કેબલ કાર તારાકોટ માર્ગથી સાંઝી-છાટ સુધી દોડશે. રોપ-વે પ્રોજેક્ટ શરૂ થયા બાદ શ્રદ્ધાળુઓ તારાકોટ રૂટથી સાંજી છટ માત્ર ૬ થી ૭ મિનિટમાં પહોંચી શકશે, જેના કારણે સામાન્ય ભક્તોની સાથે વૃદ્ધો અને બીમાર ભક્તોને પણ માતા વૈષ્ણોદેવીના દર્શન કરવાનો મોકો મળશે.
રોપ-વેના કારણે આસ્થા સાથે છેડછાડ થઈ રહી હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ‘વૈષ્ણોદેવીમાં આવતા ભક્તોની મુલાકાતનું કોઈ મહત્વ રહેશે નહીં. ભક્તોને બાણગંગા ચરણ પાદુકા અને અર્ધકુમારીના દર્શન કરવાની તક નહીં મળે. કટરા વૈષ્ણોદેવી ટ્રેક પર કામ કરતા દુકાનદારો, ઘોડા, પિટ્ટુ અને પાલખી ચલાવતા લોકો ડરતા હોય છે કે તેમનો ધંધો છીનવાઈ જશે.’
સ્થાનિક લોકો અને વેપારીઓમાં ધંધો ડાઇવર્ટ થવાની દહેશત છે. તમને જણાવી દઈએ કે બાણગંગાથી વૈષ્ણો દેવી તરફ ચઢતી વખતે વૈષ્ણોદેવી ટ્રેક પર લગભગ બે હજાર દુકાનો છે. આખા ટ્રેક પર લગભગ ૧૨,૨૦૦ ઘોડા અને પાલખીઓ છે. જેઓ છેલ્લા ઘણા સમયથી વૈષ્ણોદેવી યાત્રા ચલાવવામાં સહયોગ આપી રહ્યા છે. દરમિયાન, લગભગ ૬ હજાર મજૂરો છે જેઓ દુકાનોમાં માલ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. રોપ-વે ખુલ્યા બાદ તેમની આજીવિકા પર અસર થવાની ચિંતા છે.
શ્રાઈન બોર્ડના CEO અંશુલ ગર્ગનું કહેવું છે કે ‘રોપ-વે પ્રોજેક્ટ શરૂ થવાથી વૃદ્ધો અને બીમાર લોકોને પણ માતા વૈષ્ણો દેવીના દરબારમાં જવાની તક મળશે અને શ્રાઈન બોર્ડ પ્રશાસન એ સુનિશ્ચિત કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યું છે કે કટરાના લોકો મુશ્કેલીમાં ન આવે.