Last Updated on by Sampurna Samachar
વધુ ૩ ઝાડ કાપી ચોરીનો પ્રયાસ કર્યા હોવાનું સામે આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં પુષ્પારાજનો આતંક જોવા મળ્યો છે. અગાઉ ૨ દિવસ પહેલા ચોરોએ હેડ ઓફિસ પાછળ ૨ ચંદનના ઝાડની તસ્કરી કરી હતી. હવે વધુ ૩ ઝાડ કાપી ચોરીનો પ્રયાસ કર્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ વૃક્ષોની સુરક્ષા અંગે પણ સવાલો ઉઠ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમજ સરદારબાગમાંથી પણ ૧ વૃક્ષની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી અનુસાર એમ એસ યુનિવર્સિટીમાં ચંદનનાં અંદાજે ૪૦૦થી વધુ ઝાડ વાવવામાં આવ્યા છે. બોટની વિભાગમાં પહેલા પણ ચોરીના પ્રયાસો થયા છે. યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળ રાત્રિના સમયે ચંદનનાં ૨ વૃક્ષને લોખંડની જાળી હોવા છતાં આધુનિક સાધનો વડે વચ્ચેથી કાપીને તસ્કરો ચોરી કરી ગયા હતા. એવું પણ જણાઈ રહ્યું છે કોઈ જાણભેદું તસ્કરીમાં સામેલ છે. માહિતી પ્રમાણે અગાઉ પણ યુનિવર્સિટીમાં ચંદનના ઝાડની ચોરી કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં સફળતા ન મળતા ચોરો હવે મ્યુનિસિપાલિટી હસ્તગત સરદાર બાગમાં ચંદનના ૧ વૃક્ષની ચોરી કર્યાનું જાણવા મળ્યું છે. અહીં ૨૦થી વધુ ચંદનના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. ચોરીની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ સઘન તપાસ હાથ ધરી છે. ત્યારે કિંમતી ચંદનના વૃક્ષની જાળવણી પાછળ કડક સુરક્ષા કરવામાં આવી નથી એ જાણી પર્યાવરણપ્રેમીઓ ઘણા નિરાશ થયા છે.