પોલીસે અગાઉ નવ ધાડપાડુંની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા નજીક નેશનલ હાઇવે ઉપર એક પેટ્રોલપંપ તેમજ હોટલ ઉપર પથ્થરમારો કરી ધાડ પાડ્યા બાદ હોટેલ માલિકને ઈજા પહોંચાડી ફરાર થઈ ગયેલી ચડ્ડી બનીયન ગેંગના બે ધાડપાડુઓ ૪૪ વર્ષ બાદ પોલીસે વેશપલટો કરી મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક આલમગીર ગામ પાસે નેશનલ હાઈવે ઉપર તારીખ ૨૬ એપ્રિલ ૧૯૮૧ના રોજ પાંડે હોટલ તેમજ નજીકમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર પથ્થરમારો કરી કેબિનમાં ઘુસી જઈ રોકડ ૧૨,૯૫૨ ની લૂંટ ચડ્ડી બનીયનધારી ટોળકીએ કરી હતી. ધાડપાડુઓએ કેબિનના કાચ તોડી પાડી માર્કંડે રઘુનાથ પાંડે નામના હોટલ માલિકને દંડાથી માર મારી ઇજા પહોંચાડી હતી. આ અંગેનો ગુનો વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. પોલીસે અગાઉ નવ ધાડપાડુંની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ ૧૯૮૪ માં વધુ એક ધાડપાડુને ઝડપી પાડી પુરવણી ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી જ્યારે અન્ય છ ધાડપાડુઓ ફરાર હતા. તેઓ નહીં ઝડપાતા કોર્ટે સીઆરપીસી કલમ ૮૨ મુજબ ફરારી જાહેરનામું બહાર પણ પાડ્યું હતું. દરમિયાન વરણામા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે.વાઘેલાએ ફરાર આરોપીઓને શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી. જેમાં ઉપરોક્ત ગુનાના આરોપીઓ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.
વર્ષ ૧૯૮૧માં થયેલી ધાડના ગુનામાં ફરાર આરોપીઓ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કોટલીખુર્દ ગામે રહે છે તેવી માહિતીના આધારે વરણામા પોલીસ સ્ટેશનની એક ટીમ કોટલિખુદ ગામે પહોંચી ગઈ હતી અને તે ગામના લોકોના પહેરવેશ મુજબ વેશ પલટો કરી બે દિવસ સુધી ગામમાં રહીને ખેતરો તેમજ ગામની સીમમાં વોચ રાખી તપાસ કરી હતી. જેમાં ફરાર ધાડપાડુઓ પૈકી કરણસિંહ માકડીયા વસાવેનું માર્ચ ૨૦૨૩, અંબુ બાવલીયા ગાવીતનું સપ્ટેમ્બર ૨૦૧૪ તેમજ તુકારામ સૂકા કોકણીનું સપ્ટેમ્બર ૨૦૨૨ માં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. વરણામા પોલીસના સ્ટાફે સ્થાનિક ઉપનગર પોલીસ સ્ટેશનની મદદ લઈને ત્રણે મૃતક ધાડપાડુઓના મરણના દાખલા મેળવ્યા હતા ત્યાર પછી પણ વેશ પલટો ચાલુ રાખીને ફરાર અન્ય બે ધાડપાડુઓ મગન ઉર્ફે મંગુ બારકીયા વસાવે ઉંમર વર્ષ ૬૫ અને જાલમસિંહ ઉર્ફે જેલમાં સેલા વસાવે ઉંમર વર્ષ ૭૪ ને ઝડપી પાડ્યા હતા. લૂંટ કર્યા બાદ યુવાન વયના ધાડપાડુઓ વયો વૃધ્ધ થતાં ઝડપી પાડ્યા બાદ તેઓને વરણામા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૮૧ થી ૧૯૮૪ દરમિયાન ગેંગ બનાવીને આ ધાડપાડુઓ હાઇવે પરના પેટ્રોલ પંપ તેમજ હોટલોને નિશાન બનાવી પથ્થર મારો કરતા હતા અને લૂંટફાટ કરી આતંક મચાવ્યો હતો.