આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી પણ મંજૂર
(સંપૂર્ણ સમાચાર સેવા)
વ્યાજખોરીના ગુનામાં નામ ખુલ્યા બાદ વડોદરા છોડીને ફરાર થઈ ગયેલા નામચીન કલ્પેશ કાછિયાને મોડી રાત્રે PCB ની ટીમે દમણથી ઝડપી પાડ્યો હતો.
ખંડેરાવ માર્કેટમાં ફ્રુટનો વેપાર કરતાં વેપારી નરેશભાઈને રૂપિયાની જરૂર પડતા તેમણે આરોપી સંતોષ ભાવસાર પાસેથી ૪૭ લાખ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા. જેની સામે પોણા બે કરોડ ચૂકવી દેવા છતાં પણ વ્યાજખોર દ્વારા તેમને ધમકી આપવામાં આવતી હતી. જેનાથી કંટાળીને તેમને આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં નવાપુરા પોલીસે સંતોષ ભાવસારની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ રૂપિયા મેં કલ્પેશ કાછિયા પાસેથી લીધા છે. કલ્પેશનું નામ ખુલતા જ તે વડોદરા છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તેને આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી પણ મંજૂર થઈ હતી.
વડોદરા પોલીસ તેને શોધી રહી હતી તે દરમિયાન પીસીબી પોલીસને માહિતી મળી હતી કે કલ્પેશ કાછિયો દમણમાં સંતાયો છે. જેથી પીસીબી પોલીસની ટીમે દમણમાં વોચ ગોઠવી હતી અને સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. જે મકાનમાં કલ્પેશ હતો તે મકાનનો દરવાજો તોડીને પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે કલ્પેશનો પુત્ર કેનેડાથી આવ્યો હતો અને પુત્ર સાથે રહેવા માટે તે દમણમાં સંતાયો હતો.