Last Updated on by Sampurna Samachar
ઈ-મેઇલ ક્યાંથી આવ્યો તેની પોલીસે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બ હોવાની ધમકી મળી હતી. સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને મેઈલ મળ્યો હતો. આ બોમ્બની ધમકીના પગલે સ્કૂલ અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. હવે આ મામલે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ મેલ મોસ્ટ વોન્ટેડ મુપલ્લા લક્ષ્મણના ઈમેલ પરથી તમિલનાડુના પુત્રીના નામે ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, નવરચના સ્કૂલને બોમ્બ હોવાની ધમકી મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ધમકી ભર્યો ઈમેલના મામલામાં મોસ્ટ વોન્ટેડ મુપલ્લા લક્ષ્મણના ઈ-મેલ પરથી આવ્યો હતો. જે ડાર્કવેબ પરથી ધમકીભર્યો ઈ-મેઇલ મોકલાયો હતો. તેણે ડ્રગ્સ કેસથી ધ્યાન હટાવવા બ્લાસ્ટની જરૂર છે, તેવું ઈ-મેઇલમાં લખ્યું હતું. ઈ-મેઇલ ક્યાંથી આવ્યો તેની પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભાયલી સ્થિત નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના મહિલા પ્રિન્સિપાલને મોડી રાતે સાડા ત્રણ વાગ્યે ધમકીભર્યો મેલ આવ્યો હતો કે, નવરચનાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. મેલ વાંચ્યા પછી તેમણે અન્ય સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓને જાણ કરી હતી. કમિટિએ ચર્ચા કર્યા પછી સવારે સાત વાગ્યે પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્કૂલમાં દોડી ગયા હતા. આ ઉપરાંત સમા વિસ્તારની અન્ય બે સ્કૂલો પર વડોદરા સિટિ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.
બોમ્બની ધમકીને ગંભીરતાથી લઇને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તથા ડોગ સ્કવોડને તાબડતોબ સ્કૂલ પર બોલાવી લેવામાં આવ્યા હતા. નવરચના ઇન્ટરનેશનલમાં પોલીસનું સર્ચ અભિયાન ચાલ્યું હતું. સ્કૂલની પાઇપમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી હોઇ પોલીસ દ્વારા સ્કૂલમાં તમામ પાઇપની તપાસ કરવામાં આવી હતી. અંદાજે આઠ કલાકની શોધખોળ પછી પણ કંઇ જ શંકાસ્પદ વસ્તુ મળી નહતી.