વૃદ્ધ મહિલાને કોઈ મદદ ન મળતાં પરત ફરવું પડ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા,તા.૩
વડોદરામાં પોલીસ રક્ષકના બદલે મૂકપ્રેક્ષક બની હોવાનું સામે આવ્યું છે. એક વૃદ્ધ મહિલા પોતાના પુત્ર અને પુત્રવધૂ દ્વારા માર મરાતા ઈજાગ્રસ્ત થઈ હતી, વૃદ્ધાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પહોંચી હતી, પરંતુ પોલીસે કલાકો સુધી બેસાડી રાખતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરામાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં મહિલાને કલાકો સુધી બેસાડી રાખવાની ઘટના સામે આવી છે. વૃદ્ધાને પોતાના પુત્ર અને પુત્રવધૂ દ્વારા માર મરાતા ઈજાગ્રસ્ત થઈ હતી પરંતુ પોલીસ ર્નિદય બની ગઈ હતી. મદદની આશામાં આવેલી વૃદ્ધ મહિલાને કોઈ મદદ ન મળતાં પરત ફરવું પડ્યું.
વડોદરાની હરિદર્શન સોસાયટીમાં રહેતા સુરજબેન છત્રસિંહ નામના વૃદ્ધ મહિલાને તેમના પુત્ર અને પુત્રવધૂએ માર માર્યો હતો. દીકરા અને વહુએ વૃદ્ધ મહિલાના શૌચાલયનો દરવાજો પણ તોડી નાખ્યો. સમર નામનો દીકરો મકાન માલિકનો દુશ્મન બની ગયો હતો. જેમણે વૃદ્ધ મહિલાના માથા પર ટાઇલ્સ મારીને ઇજા પહોંચાડી હતી.
વૃદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવી હતી. વૃદ્ધાએ કહ્યું છે કે તેનો દીકરો અને પુત્રવધૂ તેની મિલકત હડપવા હેરાન કરી રહ્યા છે. વૃદ્ધ મહિલાએ એમ પણ કહ્યું છે કે તેનો પૌત્ર અને પૌત્રી પણ તેને માર મારી રહ્યા છે. જ્યારે વૃદ્ધ મહિલા પોતાનું નિવેદન આપવા ગઈ ત્યારે તેમનું નિવેદન લેવામાં આવ્યું ન હતું.
સમગ્ર મામલો સામે આવતા પોલીસ વૃદ્ધ મહિલા પાસે પહોંચી તેનું નિવેદન લીધું હતું. વૃદ્ધ મહિલાને માથા પર ટાઇલ્સ વાગવાથી ઇજા થઈ હતી. પુત્રવધૂએ ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો. વૃદ્ધા કહે છે કે તેમની મિલકત હડપ કરવા માટે તેમને અસહ્ય ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેની પૌત્રીએ પણ ટાઈલ્સ મારી ઈજા પહોંચાડી હતી.