Last Updated on by Sampurna Samachar
ઉશ્કેરાટમાં એક મિત્રએ છરી મારી હત્યા કરતા પોલીસે હત્યારાને ઝડપી લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના નવાપુરામાં જયરત્ન બિલ્ડીંગ પાસે બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં એક પિતરાઈ ભાઈના મૃત્યુ થયા બાદ હત્યાનો ગુનો નોંધાયો છે. પિતરાઈ ભાઈએ મિત્રોને છોડાવવા પ્રયાસ કરતા ડોલ વાગી હતી. આ ઉશ્કેરાટમાં એક મિત્રએ છરી મારીને હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી મુજબ વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા જયરત્ન બિલ્ડિંગ પાસે બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં પિતરાઇ ભાઇએ વચ્ચે પડીને બંનેને છૂટ્ટા પાડીને શાંત પડાવવાનો પ્રયાસ કરતા જીવ ગુમાવ્યો હતો. પિતરાઈ ભાઈને બચાવવામાં તેના મિત્રને ડોલ વાગી ગઇ. જેથી, ઉશ્કેરાઈને મિત્રએ મિત્રના પિતરાઈ ભાઈને છરીના ઘા ઝિંકી દીધા હતા. આ અંગે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરામાં નવાપુરા વિસ્તારમાં રહેતા નિતિન ધર્મેન્દ્રભાઇ રાજપૂત જ્યરત્ન બિલ્ડિંગ પાસે પોતાના પિતરાઇ ભાઇ સંતોષ રાજપૂત સહિતના મિત્રો સાથે બેઠો હતો. તે દરમિયાન ૨૯ ડિસેમ્બરના રોજ સંતોષ અને નીલેશ નામના બે મિત્રો વચ્ચે નાણાંની લેતી બાબતે બોલાચાલી થઈ હતી.
આ સમયે નિતીન રાજપુત પોતાના મોટા ભાઈ સંતોષ અને તેના મિત્ર નિલયને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. ત્યારબાદ વાતવાતમાં બંને વચ્ચે થયેલો ઝઘડો વધારે ઉગ્ર બની ગયો હતો. તે દરમિયાન હાર્દિક ઉર્ફે કપિલ નામનો શખસ પણ છોડાવવા વચ્ચે પડ્યો હતો. આ ઝઘડા દરમિયાન છોડાવવા માટે વચ્ચે પડેલા મિત્ર કપિલ નામના યુવકને ડોલ વાગી જતા યુવક ઉશ્કેરાયો હતો. આ દરમિયાન ઝઘડો કરનાર સંતોષ રાજપૂત સ્થળ પરથી જતો રહ્યો હતો. જેથી, નિતીન રાજપુત એકલો હોય ત્યારે કપિલ તેના ઘરમાં ગયો હતો અને છરી લઇને ધસી આવ્યો હતો અને નીતિન પર હુમલો કર્યો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં નિતિન રાજપૂત બે કદમ ચાલીને નીચે પડી ગયો હતો, જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન નીતિનનું મોત નિપજ્યું હતું. જેથી પોલીસ દ્વારા લાશનું પીએમ કરાવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ નવાપુરા પોલીસ દ્વારા છરીના ઘા ઝિંકીને હત્યા કરનાર કપિલ નામના યુવકને ઝડપી લેવામાં આવ્યો છે.