Last Updated on by Sampurna Samachar
SOG ની ટીમે દરોડો પડી કરી કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના તાંદલજા વિસ્તારના એક મકાનમાંથી પોલીસે હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડી એક કેરિયરની અટકાયત કરી છે. જ્યારે તેના પિતાને વોન્ટેડ જાહેર કર્યા છે. તાંદલજા બેસિલ સ્કૂલ પાસે આવેલા શકીલા પાર્કના મકાનમાં રહેતા અબ્દુલ પટેલના ઘરે હાઇબ્રીડ ગાંજો હોવાનું અને તેનું વેચાણ થતું હોવાની વિગતોને પગલે SOG ની ટીમે દરોડો પાડ્યો હતો.
પોલીસે મકાનમાં સર્ચ કરતા રૂ.૨૨ લાખની કિંમતનો ૭૦૦ ગ્રામ ઉપરાંતનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. મકાનમાંથી આદિબ અબ્દુલ પટેલ મળી આવતાં તેની અટકાયત કરવામાં આવી હતી. અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલો તેનો પિતા અબ્દુલ પટેલ સુરત તરફ હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આદિબ પાસેથી એક મોબાઇલ પણ કબજે કર્યો છે જેના આધારે ગાંજાનું નેટવર્ક જાણવા માટે ક્રાઈમ બ્રાન્ચના DCP ના નેજા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ મકાનમાં અગાઉ પણ ડ્રગ્સ મળી આવવાના કેસ બનેલા હતા અને અબ્દુલ પટેલ થોડા સમય પહેલા પણ પકડાયો હતો.